
નવીદિલ્હી,’કેનેડામાં વિઝા સેવાઓ ભારતીય રાજદ્વારીઓની સુરક્ષા સુનિશ્ચિત કર્યા પછી જ પુન:સ્થાપિત કરવામાં આવશે.’ કૌટિલ્ય ઈકોનોમિક કોક્ધ્લેવના સમાપન સત્રમાં પોતાના સંબોધનમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે જો રાજદ્વારીઓની સુરક્ષામાં પ્રગતિ દેખાશે તો તે ટૂંક સમયમાં કેનેડિયનો માટે વિઝા સેવા શરૂ કરી શકે છે.
તેમણે કહ્યું કે ભારત દ્વારા વિઝા સેવા થોડા અઠવાડિયા માટે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી હતી. તેનું મુખ્ય કારણ કેનેડામાં ભારતીય રાજદ્વારીઓની સુરક્ષાની ચિંતા હતી. કેનેડા રાજદ્વારીઓ માટે સલામત વાતાવરણ પૂરું પાડી શક્યું નથી, જે વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન છે.
કેનેડાએ ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યા બાદ બન્ને દેશોના સંબંધો ખૂબ જ તંગ બની ગયા છે. એટલું જ નહી કેનેડાએ ભારતના ટોચના રાજદ્વારીને ઓટાવા છોડવા પણ કહ્યું હતું. ભારતે શરૂઆતમાં નિજ્જરની હત્યામાં કોઈ સંડોવણીનો ઇન્કાર કર્યો હતો. આ પછી, બદલામાં, કેનેડિયન રાજદ્વારીને નવી દિલ્હી છોડવાનો આદેશ આપવામાં આવ્યો. આ ઉપરાંત કેનેડાના નાગરિકો માટે વિઝા સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી.
જયશંકરે કહ્યું કે જો અમે કેનેડામાં અમારા રાજદ્વારીઓની સુરક્ષામાં પ્રગતિ જોઈશું, તો અમે વિઝા સેવા શરૂ કરવાનું વિચારીશું. હું આશા રાખું છું કે આ ખૂબ જ જલ્દી થવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે જો સુરક્ષામાં સુધારો થશે તો રાજદ્વારીઓ માટે વિશ્વાસ સાથે કામ કરવું શક્ય બનશે. રાજદ્વારીઓની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવી એ વિયેના સંમેલનનું સૌથી મૂળભૂત પાસું છે. જયશંકરે કહ્યું કે અત્યારે કેનેડામાં આવા ઘણા પડકારો છે, જેના કારણે લોકો સુરક્ષિત નથી. અમારા રાજદ્વારીઓની સુરક્ષા પણ ખતરામાં છે. રાજદ્વારીઓની સુરક્ષામાં પ્રગતિ થતાં જ વિઝા સેવા શરૂ થશે. કેનેડાના ૪૧ રાજદ્વારીઓ તાજેતરમાં ભારત છોડી ગયા છે. તેમને નવી દિલ્હી છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.