અમદાવાદ,
ગુજરાતના કદાવર નેતા અને કોંગ્રેસના અગ્રણી જિજ્ઞેશ મેવાણીને કોર્ટે ઝટકો આપ્યો છે.કાલુપુર રેલ્વે સ્ટેશન પાસે રાજધાની એક્સપ્રેસ રોકવાના ચકચારભર્યા કેસમાં એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની કોર્ટ નં-૨૧માં ચાલી રહેલ ટ્રાયલની કામગીરી સામે સ્ટે આપવા દાદ માંગતી કોંગ્રેસના યુવા નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા કરાયેલી અરજી કરાઈ હતી. જે ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટે ફગાવી દીધી હતી. ત્યારે કોર્ટે ૫ જાન્યુઆરીએ હુકમ આપવા જણાવ્યું છે.
જિગ્નેશ મેવાણીએ આ કેસમાં કોર્ટ નં-૨૧માંથી આ કેસ અન્ય અદાલતમાં ટ્રાન્સફર માટે અરજી કરી હતી. જેને કોર્ટે ગ્રાહય રાખી ન હતી. આ કેસની વધુ વિગતો એવી છે કે, ૨૦૧૭માં કાલુપુર રેલ્વે સ્ટેશન પાસે રાજધાની એક્સપ્રેસને રોકવાના કેસમાં એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની કોર્ટ નં-૨૧માં ચાલી રહેલી ટ્રાયલનો કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરી હતી. આ કેસ અંતર્ગત ચીફ કોર્ટે આ અરજી આગામી તા.૫મી જાન્યુઆરીના રોજ હુકમ કરવા પર રાખી હતી.
જેથી મેવાણી તરફથી તેમની કેસ ટ્રાન્સફર કરવાની અરજી પર આખરી નિર્ણય ના લેવાય ત્યાં સુધી એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની કોર્ટ નં- ૨૧માં ચાલતા ટ્રાયલની કાર્યવાહી સામે સ્ટે આપવા માંગણી કરતી અરજી કરી હતી. જો કે, ચીફ કોર્ટે મેવાણીની અરજી ગ્રાહ્ય રાખી ન હતી.
ઉલ્લેખનીય છે કે, રાજધાની એક્સપ્રેસ રોકવાના કેસમાં મેવાણી સહિત કુલ ૩૧ આરોપીઓ સામે ટ્રાયલ ચાલી રહ્યો છે. જોકે, આ કેસમાં કોર્ટે મેવાણીને રાહત આપી નથી. જે તમામ લોકોને કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે અને કેસ ડે ટુ ડે ચલાવવામાં આવે તેવો ઓડર કરવામાં આવ્યો છે. જે અંગે હવે કોર્ટ બદલવા માટે ચીફ મેટ્રો કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.જેથી કોર્ટ કેસનો સામનો કરી રહેલા મેવાણીને ઝટકો લાગ્યો છે.