બુધવારે દિલ્હીમાં ૧૨ વર્ષમાં સૌથી ગરમ રાત્રિ હતી અને લઘુત્તમ તાપમાન ૩૫.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનના સામાન્ય કરતાં આઠ ડિગ્રી વધારે છે. હવામાન કચેરીએ જણાવ્યું હતું કે શહેરમાં અગાઉની સૌથી ગરમ રાત જૂન ૨૦૧૨માં નોંધવામાં આવી હતી જ્યારે લઘુત્તમ તાપમાન ૩૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. મંગળવારે દિલ્હીમાં આ સિઝનની સૌથી ગરમ રાત્રિ ૩૩.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ હતી.
ભારે ગરમીના આ ઐતિહાસિક સમયમાં દિલ્હીમાં મહત્તમ તાપમાન સતત ૩૭ દિવસથી ૪૦ ડિગ્રી સેલ્સિયસથી વધુ રહ્યું છે. આજે સાંજથી આવતીકાલ રાત સુધી ધૂળની ડમરીઓ અને વરસાદની શક્યતા છે. જે મામૂલી રાહત આપશે. મળતી માહિતી મુજબ બુધવારથી દિલ્હીને આકરી ગરમીથી થોડી રાહત મળી શકે છે. તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શહેરમાં ૨૦ જૂને હળવો વરસાદ થવાની સંભાવના છે.
આકરી ગરમીએ દિલ્હીમાં હાહાકાર મચાવ્યો છે. આ ઉનાળામાં ૨૪ કલાકમાં ૩૩ લોકોના મોત થયા છે. આ આંકડો હજુ વધી શકે છે. પોલીસ પાસે હજુ પાંચ જિલ્લાનો ડેટા નથી. મોટાભાગના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસનું કહેવું છે કે આ લોકો ફૂટપાથ પર અને નાઈટ શેલ્ટરમાં રહેતા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે તેમના મોતનું કારણ ગરમી છે. જો કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ચિત્ર વધુ સ્પષ્ટ થશે તેવું પણ કહેવાય છે. બીજી તરફ, મૂર્છા, ઉલ્ટી અને ચક્કરથી પીડાતા ૧૦૦ થી વધુ દર્દીઓ દરરોજ દિલ્હીની ૩૮ હોસ્પિટલોમાં પહોંચી રહ્યા છે.
હીટ વેવની સ્થિતિમાંથી કોઈ રાહત ન હોવા છતાં, દિલ્હી-એનસીઆરની હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોક અને થાકની ફરિયાદ કરતા દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ડૉક્ટરોએ વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીઓને બહાર જવાનું ટાળવાની સલાહ આપી છે.ગયા મહિને, દિલ્હીના આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજે જાહેરાત કરી હતી કે દિલ્હી સરકાર સંચાલિત હોસ્પિટલો હીટસ્ટ્રોકના દર્દીઓ માટે બે બેડ અનામત રાખશે, જ્યારે એલએનજેપી હોસ્પિટલ પાંચ પથારીઓ અનામત રાખશે.
છેલ્લા એક સપ્તાહનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન જોઇએ તો ૧૮ જૂન ૪૪.૦ ૩૩.૮,૧૭ જૂન ૪૫.૨ ૩૩.૦,જૂન ૧૬ ૪૪.૬ ૩૩.૨,જૂન ૧૫ ૪૪.૬ ૩૨.૪,૧૪ જૂન ૪૪.૦ ૩૩.૩,જૂન ૧૩ ૪૪.૮ ૨૯.૪,૧૨ જૂન ૪૪.૭ ૨૮.૫ રહ્યું છે