રાજ્યમાં સતત પોલીસ ડ્રાઈવ ચલાવો:હર્ષ સંઘવીએ કહ્યું- રોંગ સાઈડ, ઓવર સ્પિડિંગ અને રોડ રેસિંગ ટ્રેક સમજતા લોકોને દંડ નહીં સીધા જેલ ભેગા કરો

ગુજરાત સહિત દેશભરમાં જે પ્રકારે માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે નાગિરકોમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ ફેલાવવા 1 જૂનથી 30 જૂન 2024 દરમિયાન શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેને લઇને શહેર ટ્રાફિક પોલીસે આજે 17 ડિસેમ્બરે શોર્ટ ફિલ્મ વિજેતાઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં રાજ્યમાં ફેટલ (જીવલેણ) રોડ અકસ્માતમાં 25 ટકાનો ઘટાડો થયો છે.

રાજ્યમાં 365 દિવસ પોલીસ ડ્રાઈવ ચલાવો: હર્ષ સંઘવી આ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિક નિયમ ભંગ સામે ગુજરાત પોલીસને રાજ્યમાં 365 દિવસ પોલીસ ડ્રાઈવ ચલાવો. રોંગ સાઇડ વાહન ચલાવતા, ઓવર સ્પિડિંગ વાહન ચલાવતા તેમજ રોડને રેસિંગ ટ્રેક સમજતા લોકોને દંડ ફટકારવાને બદલે સીધા જેલ ભેગા કરો. હાથમાં દસ દિવસ પાટી પકડશે બધુ સરખું થઈ જશે.

આજના સોશિયલ મીડિયાના જમાનામાં સગીર બાળકોથી લઈને વૃદ્ધ તમામ લોકો ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરી રહ્યા છે. ખાસ કરીને મોબાઈલ અથવા તો કોમ્પ્યુટર દ્વારા સોશિયલ મીડિયા સાથે જોડાયેલા રહે છે તેવામાં સોશિયલ મીડિયા અથવા તો વીડિયો કે શોર્ટ ફિલ્મથી લોકો સુધી ઝડપથી સંદેશા પહોંચાડવામાં મદદરૂપ સાબિત થાય છે તેથી શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરીને વધુમાં વધુ લોકો સુધી ટ્રાફિક નિયમોના પાલન વિશે જાગૃતિ હેઠળ અમદાવાદ શહેર ટ્રાફિક ડીસીપી સફીન હસનના સીધા સુપરવિઝન હેઠલ ટ્રાફિક નિય વિશે જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો તેનું પાલન કરતા થાય ઉપરાંત માર્ગ અકસ્માત થતા મૃત્યનો આંકડો ઘટાડી શકાય તે માટે ગત 1 જૂન 2024થી 30 જૂન 2024 દરમિયાન એક મહિના માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા યોજવામાં આવેલી શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં એક મહિના દરમિયાન કુલ 707 રજિસ્ટ્રેશન થયા હતા, જેમાંથી 458 શોર્ટ ફિલ્મ મળી હતી. આ શોર્ટ ફિલ્મના સ્ક્રિનિંગ માટે પાંચ લોકોની કમિટીની પણ રચના કરવામાં આવી હતી. તેમના દ્વારા તમામ શોર્ટ ફિલ્મ નિહાળીને તબક્કા વાર રાઉન્ડ પ્રમાણે 53 શોર્ટ ફિલ્મમાંથી 15 શોર્ટ ફિલ્મને પસંદ કરવામાં આવી હતી. તેમાંથી 10 શોર્ટ ફિલ્મને આજે ગૃહરાજ્ય મંત્રી સહિત પોલીસવડા સમક્ષ સ્ક્રિનિંગ કરીને વિજેતા નક્કી કરવામાં આવ્યા હતા.

આ વિષયો પર શોર્ટ ફિલ્મની પસંદગી કરાઈ આ શોર્ટ ફિલ્મના વિષયોમાં હેલ્મેટ વગર વાહન ચલાવવું, રોંગ સાઈડ વાહન ચલાવવું, ટુ વ્હીલર પર ત્રણ સવારી ભયજનક વાહન ચલાવવું, ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો, સીટ બેલ્ટ વગર વાહન ચલાવવું, વધુ સ્પીડ ઉપર વાહન ચલાવવું, ટ્રાફિક સિગ્નલનો ભંગ કરવો, અડચણરૂપ અથવા તો નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવું, લાઇસન્સ વગર વાહન ચલાવવું વગેરે વિષયોને ધ્યાનમાં રાખીને શોર્ટ ફિલ્મની પસંદગી કરવામાં આવી હતી.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ આયોજિત શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં 10 શોર્ટ ફિલ્મનું સ્ક્રિનિંગ કરીને તેના વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ ક્રમાંક પ્રદીપભાઈ વાઘેલા દ્વારા નિર્દેશિત શોર્ટ ફિલ્મ “બસ બે મિનિટ”ને મળ્યો હતો. પ્રથમ વિજેતાને ઇનામ તરીકે બે લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. શૈલેષ બોઘાણી દ્વારા નિર્દેશિત શોર્ટ ફિલ્મ “યે તો સમજદાર હૈ પર આપ???”ને દ્વિતીય ક્રમાંક આપવામાં આવ્યો હતો અને તેની સાથે દોઢ લાખ રૂપિયાનું ઇનામમાં આપવામાં આવ્યું હતું. વિપુલ શાહ દ્વારા નિર્મિત જોકર શોર્ટ ફિલ્મને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યો હતો અને તેની સાથે જ એક લાખ રૂપિયાની રોકડ રકમ ઇનામ સ્વરૂપે આપવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય સાત શોર્ટ ફિલ્મને ઇનામ સ્વરૂપે 10,000 રૂપિયા રોકડ આપવામાં આવ્યા હતા.