રાજ્યમાં જાહેરમાં મારામારીના બે કિસ્સા સામે આવ્યા છે, જેમાં એક કિસ્સો રાજકોટમાં બન્યો હતો. એમાં ચાની હોટલ પર સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યારે બીજા કિસ્સો સુરતથી સામે આવ્યો છે. એમાં પાલતું શ્વાન મુદ્દે માથાકૂટ થતાં યુવકે જાહેરમાં તલવાર કાઢી મારવા દોડ્યો હતો, જોકે આ બંને મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.
ધોકા, પાઈપ વડે ચાની હોટલ પર મારામારી રાજકોટમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી વચ્ચે શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ મારામારીની બે ઘટના સામે આવી હતી. પ્રથમ ઘટનામાં રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા આકાશવાણી ચોક ખાતે ભગત સિંહ ગાર્ડન પાસે ઠાકરધણી ચાની હોટલ ખાતે બપોરના 2 વાગ્યા આસપાસ 10થી 12 લોકો આવી એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન કોઇ કારણસર આ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે અને ત્યાર બાદ આ મામલો મારામારી સુધી પહોંચી જાય છે. આ ઘટનામાં એક યુવક છરી ઉગામી ધમકાવતો પણ જોવા મળ્યો હતો, જેથી આ મામલો વધુ બિચકતાં એકબીજા પર છૂટા હાથની મારામારી તેમજ ધોકા, પાઈપ અને ચા બનાવવાના તાવીથો ઉગામી તથા ખુરસીના છૂટા ઘા મારી જાહેરમાં મારામારી કરતા જોવા મળ્યા હતા.
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતાં યુનિવર્સિટી પોલીસે રણજિત જોગરાણા, નાગજી જોગરાણા, કિશન બાંભવા, ભરત બાંભવા, પંકજ દામા, જિતુ દામા, સંજુ પરિહાર, ડેનિશ દેસાણી, નિશાંત ઠાકુર, ચક્ર સાઉદ, લોકેન્દ્ર સાઉદ, તેજ સાઉદ, મનોજ ઠાકુર, બીરજુ સાઉદ અને અનુપ સાઉદ સામે BNSની કમલ 192(4) હેઠળ જાહેરમાં સુલેહશાંતી ભંગ કરવા અંગે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અન્ય એક ઘટનામાં શીતલ પાર્ક ચોક નજીક પાણીના ફિલ્ટર પ્લાન્ટ ખાતે પાણી લેવા ગયેલા યુવકના વાહન સાથે રિક્ષા અથડાઈ જતાં સામસામે ગાળાગાળી કરી એકબીજાને માર મારી માથાકૂટ કરવામાં આવતાં યુનિવર્સિટી પોલીસે આ ઘટનામાં બંને પક્ષે સામસામે મારામારીની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં બે પરિવાર વચ્ચેના ઝઘડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો, જેમાં સામસામે મારામારીમાં મામલો એટલો બિચક્યો કે એક વ્યક્તિએ જાહેરમાં તલવાર કાઢીને મારવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઉપરાંત સામસામે લાકડાના ફટકા પણ માર્યા હતા, જોકે આ મામલે પોલીસે ગુનો નોંધી બે લોકોની અટકાયત કરી છે, જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસડેવામાં આવ્યા છે.
પાંડેસરા વિસ્તારમાં પાલતુ શ્વાન મુદ્દે બે પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી. અગાઉ પણ બંને પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ફરી એક વખત બંને પરિવારો સામસામે આવી જતાં એક વ્યક્તિએ જાહેરમાં તલવાર કાઢી હતી. એટલું જ નહીં, અન્ય એક યુવક પર તલવારથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવક હટી જતાં આબાદ બચાવ થયો હતો. તો બીજી તરફ લાકડાના દંડા વડે એકબીજાને ઈજા પણ પહોંચાડી હતી. સ્થાનિક લોકો વારંવાર તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મામલો એટલો ઉગ્ર થઈ ગયો હતો કે લાકડાના ફટકા વડે એકબીજા ઉપર હુમલો કરી દીધો હતો. એને કારણે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ થઈ હતી.
પાંડેસાર પીઆઇ એચએમ ગઢવીએ જણાવ્યું હતું કે બંને પરિવારો નજીવી બાબતે ઝઘડી પડ્યા હતા. વીડિયો વાઈરલ થતાં અમારી જાણમાં પણ આવ્યું હતું. ત્યાર બાદ અમે કાર્યવાહી પણ કરી છે. બે વ્યક્તિ ઇજાગ્રસ્ત છે, તેઓ અત્યારે સારવાર હેઠળ છે. શ્વાન મુદ્દે ઝઘડો થયો હતો. ગુનો દાખલ કરતાં એક વ્યક્તિને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી છે. એક વ્યક્તિ જે સારવાર હેઠળ છે તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની પણ ધરપકડ કરવામાં આવશે.