- છેલ્લા પાંચ મહિનામાં પીર પંજાલમાં થયેલા આતંકવાદી હુમલામાં લગભગ ૨૦ ભારતીય જવાનોએ જીવ ગુમાવ્યા છે.
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી કૃત્યો વધારવાની પાકિસ્તાનના ષડયંત્રોને નિષ્ફળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ભારતીય સેનાએ ઓપરેશન સર્વશક્તિ શરૂ કર્યું છે. જેમાં ભારતીય સેના પીર પંજાલ પર્વતમાળાની બંને તરફથી આતંકવાદીઓનો ખાતમો કરશે. ઉધમપુરમાં આર્મી હેડક્વાર્ટર અને સેનાના ઉત્તરી કમાન્ડની કડક દેખરેખ હેઠળ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હાલના સમયમાં, પાકિસ્તાનના પ્રોક્સી આતંકવાદી જૂથો (પાકિસ્તાની આતંકવાદી સંગઠનો વતી કાર્યરત આતંકવાદી જૂથો) એ પીર પંજાલ રેન્જની દક્ષિણમાં ખાસ કરીને રાજૌરી-પૂંછ સેક્ટરમાં આતંકવાદને વધારવાનો પ્રયાસ કર્યો છે.
છેલ્લા પાંચ મહિનામાં પીર પંજાલમાં થયેલા આતંકવાદી હુમલામાં લગભગ ૨૦ ભારતીય જવાનોએ જીવ ગુમાવ્યા છે. હાલનો હુમલો ૨૧ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ડેરા કી ગલી વિસ્તારમાં થયો હતો, જેમાં ૪ જવાનો શહીદ થયા હતા. સુરક્ષા દળોના સૂત્રોએ જણાવ્યું કે પીર પંજાલ રેન્જની બંને બાજુએ આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન સર્વશક્તિ હાથ ધરવામાં આવશે, જ્યાં શ્રીનગરની ચિનાર કોર્પ્સ અને નગરોટાની વ્હાઇટ નાઈટ કોર્પ્સ પણ પોતપોતાની કામગીરી હાથ ધરશે.
સૂત્રોએ એમ પણ કહ્યું કે આ ઓપરેશન હેઠળ જમ્મુ-કાશ્મીર પોલીસ, સીઆરપીએપ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ગુપ્તચર એજન્સીઓ સાથે મળીને કામ કરશે. પ્રદેશમાં ગુપ્તચર તંત્રને મજબૂત કરવા માટે પણ પગલાં લેવામાં આવ્યા છે. ખાસ કરીને રાજૌરી-પૂંછ સેક્ટરમાં આતંકવાદી હુમલાઓને વધારવાની પાકિસ્તાના ષડયંત્રોને નિષ્ફળ બનાવવામાં આવશે. રાજૌરી-પુંછ સેક્ટરમાં વધુ સૈનિકો મોકલવામાં આવી રહ્યા છે.
આ ઓપરેશન સર્પ વિનાશ ઓપરેશનની જેવું હોવાની આશા છે. આતંકવાદી પ્રવૃત્તિઓને ખતમ કરવા માટે ૨૦૦૩માં ઓપરેશન સર્પવિનાશ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન આ વિસ્તારમાં આતંકવાદી હુમલાઓ લગભગ બંધ થઈ ગયા હતા. આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ નોર્ધન કમાન્ડની સાથે કોર્પ્સ કમાન્ડરો સાથે આતંકવાદી ખતરાનો સામનો કરવાની રીતો પર ચર્ચા કરી હતી.સુરક્ષા દળોએ એજન્સીને જણાવ્યું હતું કે ઓપરેશન સર્વશક્તિ પીર પંજાલ પર્વતમાળાના બંને તરફથી હાથ ધરાશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, સેના, ગુપ્તચર એજન્સીઓને સામેલ કરતી સુરક્ષા બેઠક પછી તરત જ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. નોર્ધન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી માટે સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
૧૬ ડિસેમ્બરે,બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ ગુપ્ત માહિતીને ટાંકીને માહિતી આપી હતી કે ૨૫૦ થી ૩૦૦ આતંકવાદીઓ પાકિસ્તાન સરહદ પરના લોન્ચપેડ પર છે. તેઓ જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સરહદ પારથી ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવશે.
બીએસએફ આઇજી અશોક યાદવે પુલવામામાં કહ્યું કે આતંકવાદી પ્રવૃત્તિઓને જોતા અમે અને સેના સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખી રહ્યા છીએ અને સતર્ક છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં સુરક્ષા દળો અને કાશ્મીરના લોકો વચ્ચેના સંબંધોમાં વધારો થયો છે. જો લોકો અમને સહકાર આપે તો અમે વિકાસના કામને વધુ સારી રીતે આગળ વધારી શકીશું.