રાજૌરી આતંકી હુમલાના વિરોધમાં લોકોનો રોષ ફાટ્યો, રસ્તા પર ઉમટી પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કર્યું

શ્રીનગર,

જમ્મુ-કશ્મીરના રાજૌરી જિલ્લામાં બે આતંકવાદી હુમલાના વિરોધમાં લોકો મેદાને ઉતરી આવ્યા છે. તેમજ વિરોધમાં સતત બે દિવસ મંગળવાર અને બુધવાર સીમાવર્તી શહેર પુંછ બંધ રહ્યું હતુ. રાજૌરી ઘટનામાં ૬ લોકો માર્યા ગયા છે, તેમજ ૧૧ લોકો ઘાયલ થયા હતા. ત્યારે તે મુદ્દે ઉઠી રહેલી સુરક્ષાને લઈને સવાલોને દબાવી દેવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ઘટનાના વિરોધમાં આ વિસ્તારના લોકો રસ્તા પર ઉમટી પડ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે.

આ અંગેની ઘટના બાદ અધિકારીઓએ જણાવ્યું હતુ કે જમ્મુના સરહદી જિલ્લા પુંછ અને રાજૌરીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ત્યારે આ ઘટનાના વિરોધમાં કાતિલ ઠંડીની વચ્ચે પણ લોકો પ્લેકાર્ડ હાથમાં લઈને મેદાને ઉતરી આવ્યા છે. ત્યારે આ વિરોધમાં જિલ્લાની તમામ દુકાનો અને વેપારી સંસ્થાઓ બંધ રાખી રસ્તા જામ કરીને લોકોએ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ટાયરો પણ બાળ્યા હતા.

રાજૌરી જિલ્લામાં થયેલા ગત રવિવારે અને સોમવારે થયેલા આતંકી હુમલા બાદ પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બે આતંકવાદી ઘટનાઓમાં બે સગીર પિતરાઈ સહિત કુલ છ લોકો માર્યા ગયા હતા. મળતી માહિતી મુજબ, ૮ કંપનીઓ ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મીરમાં મોકલવામાં આવશે. જ્યારે અન્ય ૧૦ કંપનીઓ દિલ્લીથી મોકલવામાં આવી રહી હોવાની માહિતી મળી છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, જમ્મુ અને કાશ્મીરમાં વધારાની ૧૮ કંપનીઓને તહેનાત કરવાની તૈયારી કરી રહ્યું છે.

જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદી હુમલા બાદ લોકો સતત વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ વિરોધ બાદ ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આદેશને પગલે સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના અપર ડાંગરી ગામમાં રવિવારે રાત્રે અને સોમવારે સવારે થયેલા બે અલગ-અલગ આતંકી હુમલામાં બે બાળકો સહિત કુલ છ લોકો માર્યા ગયા હતા અને અન્ય ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.