રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય : આંતરજ્ઞાતિય લગ્ન કરનારને હવે મળશે રૂ.૧૦ લાખ, રકમ વધારવા મંજૂરી આપી

જયપુર,સામાજિક સમરસતા અને એક્તાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે રાજસ્થાન સરકારે આંતરજ્ઞાતિય લગ્નો માટે પ્રોત્સાહન રકમ બેગણી વધારી રૂ.૧૦ લાખ કરવાની જાહેરાત કરી છે. લગ્ન કરાર આંતર-જ્ઞાતિ યુગલોને હવે તાત્કાલિક અસરથી રૂ.૧૦ લાખ મળશે. અગાઉ આ રકમ રૂ.૫ લાખ હતી, જેમાં રાજસ્થાન સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે તાજેતરમાં ૨૦૨૩-૨૪ ના બજેટમાં આ અંગેની જાહેરાત કરી હતી, ત્યારબાદ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા એક સૂચના જારી કરવામાં આવી છે.

સંશોધિત ‘ડો.સવિતા બેન આંબેડકર આંતર-જ્ઞાતિય લગ્ન યોજના’ હેઠળ, રૂપિયા ૫ લાખ ૮ વર્ષ માટે ફિક્સ ડિપોઝીટમાં રાખવામાં આવશે. જ્યારે બાકી રકમ રૂપિયા ૫ લાખ નવદંપતીના સંયુક્ત બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. વર્ષ ૨૦૦૬માં શરૂ કરાયેલી આ યોજનામાં શરૂઆતમાં રૂ.૫૦,૦૦૦ રકમ અપાતી હતી, ત્યારબાદ એપ્રિલ ૨૦૧૩માં વધારીને રૂ. ૫ લાખ કરવામાં આવ્યા હતા.

આ યોજના હેઠળ મળતા ભંડોળમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો બંનેનો સહકાર છે. આ યોજના હેઠળ રાજ્યની સરકારો ૭૫ ટકા ફાળો આપે છે, જ્યારે કેન્દ્ર સરકાર ૨૫ ટકા ફાળો આપે છે. પાછલા નાણાકીય વર્ષમાં સરકારે આ યોજના હેઠળ રૂ.૩૩.૫૫ કરોડ અને વર્તમાન વર્ષમાં રૂ. ૪.૫ કરોડથી વધુની રકમ આપી ચુકી છે.