Mehsana : રાજસ્થાન સરકારે ધરોઈ ડેમના ઉપરવાસમાં ડેમ બનાવવાની જાહેરાત કરી છે. જે ડેમનાં કારણે ઉત્તર ગુજરાતનાં પાંચ જીલ્લાઓમાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. જો રાજસ્થાન સરકાર પ્રસ્તાવિત બંધ બાંધે તો ધરોઈ ડેમમાં આવતું પાણી અટકી શકે છે. જેના કારણે વિવાદ સર્જાયો છે. ત્યારે બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર મેદાને આવ્યા છે.
નિવેદન આપતા કહ્યું આપણો ડેમ હોવા છતા રાજસ્થાન સરકાર ડેમ બનાવે તે સાખી નહિં લેવાય. બીજો ડેમ ના બને તેના માટે સરકારમાં રજૂઆત કરીશું. અને જરૂર પડશે તો આંદોલન પણ કરીશું. વધુમાં કહ્યું કે ખેડૂતને નુકશાન થાય તેવી એક પણ વાત ચલાવી લેવામાં નહી આવે.
તો બીજી તરફ ધરોઈ ડેમ મુદ્દે પ્રદેશ ભાજપ મહામંત્રી અને પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલે નિવેદન આપ્યું છે. કહ્યું કે આ મુદ્દે સુખદ નિરાકરણ આવે તેવો પ્રયત્ન કરીશું. જેના હક્કનું હોય તેના સુધી પહોંચે તે કુદરતનો નિયમ છે. રાજસ્થાનમાં અલગ સરકાર છે એટલે દરેક પોતાના સ્વાર્થનું વિચારે એ સ્વાભાવિક છે. ત્યારે ડેમના પ્રશ્ન મુદ્દે સુખદ નિરાકરણ આવે તેવો પ્રયત્ન કરીશું.