રાજસ્થાન રોયલ્સે સીએસકે સામે રોમાંચક વિજય મેળવ્યા બાદ કેપ્ટન સંજૂ સેમસનને લાખોનો દંડ!

મુંબઇ,આઇપીએલ ૨૦૨૩ માં બુધવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ચેપોક સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચ પહેલાથી જ સંભાવના વર્તાઈ રહી હતી કે, મેચ જબરદસ્ત બની રહેવાની છે. રાજસ્થાન પાસે નંબર ૧ બનવાનો ઈરાદો હતો, ચેન્નાઈને ઘરમાં જીતનો આત્મવિશ્ર્વાસ હતો. જોકે બંનેની જબરદસ્ત ટક્કરને લઈ મેચ અંતિમ ઓવરમાં રાીજસ્થાનને નામે થઈ હતી. માત્ર ૩ રનના અંતરથી હાર જીતનુ પરિણામ સામે આવ્યુ હતુ. આ સમયે ક્રિઝ પર શ્રેષ્ઠ ફિનિશર મહેન્દ્રસિંહ ધોની અને રવિન્દ્ર જાડેજા હતા. જોકે મેચ બાદ રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસનને ખુશીઓ વચ્ચે આઈપીએલએ મોટો દંડ ફટકાર્યો હતો.

સંજૂ સેમસનને સ્લો ઓવર રેટને લઈ આઈપીએલ દ્વારા દંડ આપવામાં આવ્યો છે. આઈપીએલમાં સામાન્ય રીતે જ્યારે મેચ જબરદસ્ત રસાક્સીમાં પહોંચે છે, ત્યારે બોલિંગ ટીમ મોટે ભાગે સ્લો ઓવરરેટના નિયમોમાં દંડાતી હોવાનુ બનતુ હોય છે. ચેન્નાઈને તેના જ ઘરમાં અને ફિનિશર ધોની સામે અંતમાં લક્ષ્ય બચાવવાનો પડકાર સ્વાભાવિક રીતે બોલિંગ ટીમને ચિંતામાં લાવી દે. આ ચિંતા જ સ્લો ઓવરરેટનુ મુખ્ય કારણ બનતુ હોવાનુ માનવામાં આવે છે.

આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ આ સજાનો ભોગ બની ચુક્યો છે. હવે તેના બાદ સંજૂ સેમસન દંડાયો છે. આઈપીએલ કોડ ઓફ કંડક્ટ મુજબ સ્લો ઓવર રેટના નિયમના ઉલ્લંઘન બદલ સંજૂને દંડ ફટકારાયો છે. ચેન્નાઈ સામે ચેપોકમાં સ્લો ઓવર રેટ એટલે કે સમય મર્યાદા કરતા વધુ સમય નિર્ઘારીત ૨૦ ઓવર પુરી કરવામાં સમય ખર્ચ કરતા રાજસ્થાનના કેપ્ટનને દંડ કરાયો છે. જે મુજબ ૧૨ લાખ રુપિયાનો દંડ સંજૂ સેમસનને કરવામાં આવ્યો છે. જોકે રાજસ્થાને ૧૫ વર્ષ બાદ ચેપોકમાં જીત મેળવી છે. એટલે કે ધોની સેનાને દોઢ દાયકા બાદ તેના જ ઘરમાં રાજસ્થાન હરાવી શકવામાં સફળ રહ્યુ છે.

ધોનીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરીને રાજસ્થાન રોયલ્સને પ્રથમ બેટિંગ માટે મેદાને ઉતાર્યુ હતુ. રાજસ્થાને ૮ વિકેટ ગુમાવીને ૧૭૫ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ઓપનર જોસ બટલરે અડધી સદી નોંધાવી હતી. બાદમાં ચેન્નાઈએ પિછો કરતા ૬ વિકેટ ગુમાવીને ૧૭૨ રન નોંધાવ્યા હતા. અંતિમ ઓવર્સમાં જે રીતે જાડેજા અને ધોનીએ ચોગ્ગા અને છગ્ગા વરસાવવા શરુ કર્યા હતા એ જોતા મેચ રસપ્રદ બની હતી અને ચેન્નાઈના પક્ષમાં થવાનો ચેપોકમાં હાજર ચેન્નાઈના ચાહકોને લાગી રહ્યુ હતુ. પરંતુ અંતિમ ઓવરમાં ૩ રનથી લક્ષ્ય ચેન્નાઈ માટે દૂર રહી ગયુ હતુ.

અંતિમ ઓવરમાં ૨૧ રનની જરુર હતી જેમાં શરુઆતના બે બોલ વાઈડ રહ્યા હતા અને બાદમાં બીજા અને ત્રીજા બોલ પર બે સળંગ સિક્સર આવી હતી. પરંતુ અંતિમ ત્રણ બોલ પર માત્ર ત્રણ સિંગલ રન રહેતા ચેન્નાઈની હાર થઈ હતી.