રાજસ્થાન રોયલ્સે અંતિમ ઓવરમાં ૩ રનથી રોમાંચક વિજય મેળવ્યો, ધોની-જાડેજાની લડત એળે ગઈ

આઇપીએલ ૨૦૨૩ ની ૧૭મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ચેપોક સ્ટેડિયમમાં રમાઈ હતી. રોમાંચક રહેલી મેચમાં રાજસ્થાને ૩ રનથી વિજય મેળવ્યો હતો. આમ ચેન્નાઈ માટે ધોની અને જાડેજાની અંતમાં આક્રમક લડત એળે ગઈ હતી. બંનેની રમત ટીમને લક્ષ્યની ખૂબ જ નજીક લઈ આવી હતી. મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ટોસ હારીને રાજસ્થાને બેટિંગની શરુઆત કરતા ૮ વિકેટ ગુમાવીને ૧૭૫ રનનો સ્કોર ખડક્યો હતો. જોસ બટલરે રાજસ્થાન માટે અડધી સદી નોંધાવી હતી. જવાબમાં ચેન્નાઈની ટીમે શરુઆતમાં જ ઓપનર ગાયકવાડની વિકેટ ગુમાવી દીધી હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પોતાની ૨૦૦ મી મેચ રમી રહ્યો હતો. તેણે ખાસ મુકામની મેચમાં ટોસ જીત્યો હતો. ડ્યૂને કારણે ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ચેન્નાઈ અને રાજસ્થાન માટે આ ચોથી મેચ સિઝનમાં હતી.

જબરદસ્ત ટક્કર બંને ટીમો વચ્ચે જોવા મળી હતી. બંને ટીમોએ બોલીંગ, ફિલ્ડીંગ અને બેટિંગ વડે એક બીજાને ટક્કર આપી હતી. ૠતુરાજ ગાયકવાડ અને ડેવોન કોન્વે ઓપનર તરીકે આવ્યા હતા. ચેન્નાઈની ઓપનિંગ જોડી વધારે સમય ક્રિઝ પર ટકી શકી નહોતી. ૧૦ રનના ચેન્નાઈના સ્કોર પર જ ગાયકવાડે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ગાયકવાડે ૧૦ બોલનો સામનો કરીને ૮ રન નોંધાવ્યા હતા. જ્યારે અજિંક્ય રહાણેએ ૩૧ રન નોંધાવ્યા હતા. તેણે ૧૯ બોલનો સામનો કરીને ૨ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદ વડે આ સ્કોર નોંધાવ્યો હતો. શિવમ દુબેએ ૯ બોલનો સામનો કરીને ૮ રન નોંધાવ્યા હતા. મોઈન અલી પણ ૧૦ બોલમાં ૭ રન નોંધાવીને પરત ફર્યો હતો. અંબાતી રાયડૂ ઈમ્પેક્ટ પ્લેયરના રુપમાં આવ્યો હતો. તે પણ ખાસ કંઈ કરી શકયો નહોતો અને ૧ જ રન નોંધાવીને પરત ફર્યો હતો.

ડેવોન કોન્વે ઓપનિંગમાં આવીને અડધી સદી નોંધાવી હતી. કોન્વેએ ૩૮ બોલનો સામનો કરીને ૫૦ રન નોંધાવ્યા હતા. કોન્વેએ ૬ ચોગ્ગા ફટકાર્યા હતા. કોન્વેએ વિકેટ ટકાવી રાખવાનો પ્રયાસ કરીને અડધી સદી નોંધાવી હતી. ચેન્નાઈ માટે આ મહત્વની ઈનીંગ હતી. એત કરફ ૭૮ થી ૧૧૩ રનના સ્કોરમાં એક બાદ એક પાંચ વિકેટ ૩૫ રનમાં ગુમાવી દીધી હતી. આમ આવી સ્થિતીમાં વિકેટ ટકાવવાનુ મહત્વનુ કામ તેણે કર્યુ હતુ. પરંતુ ચહલનો શિકાર થઈને તે પરત ફર્યો હતો.

અંતમાં મેચ રોમાંચક મોડમાં પહોંચી હતી. જાડેજા અને ધોનીએ સ્થિતી સંબાળી હતી. ૧૮મી ઓવરમાં ધોનીએ એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો. આમ ૧૪ રન નિકાળ્યા હતા. ત્યાર બાદ ૧૯મી ઓવરમાં એક ચોગ્ગો અને ૨ છગ્ગા ફટકાર્યા હતા. જેને લઈ મેચ જબરદસ્ત રોમાંચક બની હતી. આ ઓવરમાં ૧૯ રન ચેન્નાઈને મળ્યા હતા. આમ અંતિમ ઓવરમાં ૨૧ રનની જરુર રહી હતી.

અંતિમ ઓવરમાં શરુઆતમાં બંને બોલ વાઈડ રહ્યા હતા. ઓવરમાં બીજા બોલ પર ધોનીએ છગ્ગો ફટકાર્યો હતો. ત્યાર બાદ આગળના બોલે વધુ એક છગ્ગો ફટકારતા મેચ જબરદસ્ત રોમાંચક બની હતી. જોકે અંતિમ ત્રણેય બોલ પર સંદીપ શર્માએ નિયંત્રણ રાખતા ૭ રનને બચાવવાનો સફળ પ્રયાસ કરીને ૩ રનથી ટીમને જીત અપાવી હતી. ધોનીએ ૧૭ બોલમાં ૩૨ રન ૩ છગ્ગાની મદદથી નોંધાવ્યા હતા. જ્યારે રવિન્દ્ર જાડેજાએ ૧૫ બોલમાં ૨૫ રન નોંધાવ્યા હતા તેણે ૨ છગ્ગા ફટકાર્યા હતા.