રાજસ્થાન રોયલ્સનો સ્પિનર એડમ ઝામ્પા આઇપીએલમાંથી ખસી ગયો

નવીદિલ્હી,રાજસ્થાન રોયલ્સને આઈપીએલના પ્રારંભ પૂર્વે જ જોરદાર ઝાટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાનો લેગ સ્પિનર એડમ ઝામ્પા આઈપીએલ ૨૦૨૪માંથી ખસી ગયો છે. વ્યક્તિગત કારણથી ઝામ્પાએ આઈપીએલમાં નહીં રમવાનો નિર્ણય કર્યો છે. ઝામ્પાના મેનેજરે આ અંગે પુષ્ટી કરી હતી. એડમ ઝામ્પાએ આઈપીએલની ગત સિઝનમાં છ મેચમાં ૨૩.૫૦ની એવરેજથી આઠ વિકેટ ઝડપી હતી. ગત વર્ષે ફ્રેન્ચાઈઝે ઓક્શન પૂર્વે એડમ ઝામ્પાને રૂ.૧.૫ કરોડની કિંમત સાથે રિટેન કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ૨૦૦૮ની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સના ત્રણ મુખ્ય સ્પિનર્સમાં રિવચંદ્રન અશ્ર્વિન, યુઝવેન્દ્ર ચહલ અને એડમ ઝામ્પાનો સમાવેશ થતો હતો. હવે ઝામ્પા આ સિઝનમાંથી ખસી જતા સ્પિન આક્રમણ નબળું પડવાની ભીતિ છે. આ ઉપરાંત રોયલ્સનો પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ણાએ પણ સર્જરી કરાવી હોવાથી તે આઈપીએલ ગુમાવશે. રાજસ્થાન રોયલ્સે ઝામ્પા અને ક્રિષ્ણાના વિકલ્પની જાહેરાત કરી નથી પરંતુ ટૂંક સમયમાં રિપ્લેસમેન્ટની જાહેરાત કરે તેવી સંભાવના છે. અગાઉ કોરોનાકાળમાં પણ ઝામ્પા આઈપીએલની સિઝનમાં અધવચ્ચેથી નિકળીને સ્વદેશ પરત ગયો હતો. એડમ ઝામ્પાએ ઓસ્ટ્રેલિયાના વ્યસ્ત કાર્યક્રમને લીધે આઈપીએલમાંથી નામ પરત ખેંચ્યું હોવાની શક્યતા છે.