Patan : રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલા આબુ રોડ પરથી કારમાંથી 3 કરોડ 15 લાખની રોકડ (Cash) મળી આવી હતી. કારમાંથી બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી પાટણ જિલ્લાના હોવાનું સામે આવ્યુ છે. પોલીસે બંને આરોપીઓની વધુ પુછપરછ શરુ કરી છે.
આબુ રોડ પર આવેલા રિકો પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા રવિવારે મોટી કાર્યવાહી કરીને એક કારમાંથી 3 કરોડ 15 લાખની રોકડ જપ્ત કરી છે. સાથે જ પાટણના બે આરોપીઓની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલી રોકડ હવાલાની હોવાની માહિતી છે. પોલીસે કલમ 102 હેઠળ રકમ જપ્ત કરી અને આ કેસમાં પાટણના સાંતલપુરના રહેવાસી નરેશ કુમાર અને પાટણના કંબોઇના રહેવાસી અજીતસિંહની ધરપકડ કરી છે.
પોલીસ દ્વારા હાલ બંને આરોપીઓની પૂછપરછમાં કરવામાં આવી રહી છે. આબુ રોડ રિકો પોલીસ સ્ટેશનના અધિકારી સુરેશ ચૌધરીએ જણાવ્યું કે, આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એસપી જ્યેષ્ઠા મૈત્રેયીની સૂચનાથી રાજસ્થાન-ગુજરાત બોર્ડર પર સ્થિત માવલ ચોકી પર ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને નાકાબંધી કરવામાં આવી રહી છે.જે દરમિયાન આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
રવિવારે સિરોહીથી ગુજરાત જઈ રહેલી એક કારને અટકાવવામાં આવી હતી. કારમાં કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે કેમ તે અંગે ડ્રાઈવરને પૂછપરછ કરવામાં આવતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.પોલીસને કાર ચાલક અને કારમાં બેઠેલી અન્ય વ્યક્તિના હાવભાવ પરથી શંકા ગઈ હતી અને કારની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાં એક સ્પેશિયલ બોક્સ હતું. જેને ખોલતાં તેમાં મોટી રકમની રોકડ મળી આવી હતી.
બંને યુવકોને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા અને કાર અને રોકડ જપ્ત કરવામાં આવી હતી. રોકડની ગણતરી વખતે એક મશીન લાવવામાં આવ્યું હતું અને 3 કરોડ 15 લાખની રોકડ મળી આવી હતી. પોલીસે રોકડ રકમ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે.પકડાયેલા યુવકની પૂછપરછ ચાલી રહી છે. પોલીસે આ અંગે આવકવેરા વિભાગને જાણ કરી છે, જેના આધારે જોધપુરથી આવકવેરા વિભાગની ટીમ આવીને આગળની કાર્યવાહી કરશે.