રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલને જેલમાંથી કેદીએ જીવથી મારી નાખવાની ધમકી આપી

જયપુર, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માને જીવથી મારવાની ધમકી મળી છે. કહેવામાં આવે છે કે આ ધમકી જયપુર સેન્ટ્રલ જેલમાંથી આપવામાં આવી છે.મુખ્યમંત્રી ભજનલાલ શર્માને જીવથી મારવાની ધમકી આપનારા વ્યક્તિના લોકેશનને જ્યારે ટ્રેસ કરવામાં આવ્યું તો આ લોકેશન જયપુર સેન્ટ્રલ જેલમાં નીકળ્યું હતું.જેલમાં બંધ એક કેદીએ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મુખ્યમંત્રીને જીવથી મારવાની ધમકી આપી હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

જયપુર સેન્ટ્રલ જેલમાંથી ફોન આવવાને કારણે જેલર અને ડેપ્યુટી જેલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે કે જેલમાં મોબાઇલ ફોન અને સિમ કાર્ડ કેવી રીતે પહોંચ્યો. આ ઘટનામાં લાલ કોઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

મહત્ત્વપૂર્ણ છે કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી ૨૦૨૩માં જીત પછી ભારતીય જનતા પાર્ટીએ તમામને ચોકાવતા ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપને ૧૧૫ બેઠક પર જીત મળી હતી, જ્યારે કોંગ્રેસ ૬૯ બેઠકથી સંતોષ કરવો પડ્યો હતો. રાજસ્થાનમાં આ વખતે પણ દર પાંચ વર્ષમાં સરકાર બદલવાનો રિવાજ યથાવત રહ્યો હતો. રાજ્યમાં ચૂંટણી પહેલા કોંગ્રેસની સરકાર હતી અને અશોક ગહેલોત મુખ્યમંત્રી હતા. રાજ્યમાં કુલ ૧૯૯ બેઠક પર ચૂંટણી યોજાઇ હતી. ભાજપે આ ચૂંટણીમાં કેટલાક સાંસદોને પણ ટિકિટ આપી હતી.