રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. છ મહિના પહેલા પણ તેને આવી જ ધમકી મળી હતી. મળતી માહિતી મુજબ, દૌસા સેન્ટ્રલ જેલના એક કેદીએ સવારે લગભગ ૩ વાગે જયપુર પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો અને મુખ્યમંત્રીને ગોળી મારી દેવાની ધમકી આપી. છેલ્લા છ મહિનામાં આ બીજી ઘટના છે. આ પહેલા ૧૭ જાન્યુઆરીએ જયપુર સેન્ટ્રલ જેલના મુકેશ નામના પોક્સો ગુનેગારે પણ જયપુર પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને શર્માને ગોળી મારી દેવાની ધમકી આપી હતી.
પોલીસ મહાનિરીક્ષક (જયપુર રેન્જ) અનિલ ટાંકે જણાવ્યું કે દૌસા જેલમાં બળાત્કારના કેસમાં બંધ એક કેદીએ શનિવારે મોડી રાત્રે જયપુર પોલીસના કંટ્રોલ રૂમને ફોન કર્યો અને મુખ્યમંત્રીને મારી નાખવાની ધમકી આપી. તેણે કહ્યું કે જ્યારે પોલીસે ફોન નંબરના આધારે લોકેશન ટ્રેસ કર્યું તો તે દૌસા જેલનું હોવાનું બહાર આવ્યું.
ટાંકે કહ્યું કે દૌસા પોલીસ અને જયપુર પોલીસની ટીમે દાજલિંગના રહેવાસી આરોપીને કસ્ટડીમાં લીધો છે અને તેની પૂછપરછ કરી છે. તેમણે કહ્યું કે પોલીસ તપાસ કરી રહી છે કે કેદીને મોબાઈલ ફોન કેવી રીતે મળ્યો.
જયપુરના એસીપી કૈલાશ બિશ્ર્નોઈએ જણાવ્યું હતું કે દૌસા સેન્ટ્રલ જેલના અન્ય એક પોક્સો ગુનેગારે સવારે લગભગ ૩ વાગ્યે જયપુર પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો અને મુખ્યમંત્રીને ગોળી મારી દેવાની ધમકી આપી હતી. ઘટના બાદ જયપુર પોલીસે તાત્કાલિક દૌસા જેલ પ્રશાસનને જાણ કરી હતી. ફોન કરનારની ઓળખ પશ્ર્ચિમ બંગાળના દાજલિંગનો રહેવાસી નેમો તરીકે થઈ છે.
તેને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને ત્રણ મહિના પહેલા જ જયપુર જેલમાંથી દૌસા જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પોલીસ તેની અને અન્ય કેટલાક કેદીઓને તેના હેતુ અને અગાઉના ધમકીભર્યા કોલ સાથેના કોઈપણ જોડાણ વિશે પૂછપરછ કરી રહી છે. દૌસાના પોલીસ અધિક્ષક (એસપી) રંજીતા શર્માએ જણાવ્યું કે રવિવારે સવારે જેલમાં તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે કેદીઓ પાસેથી ૧૦ મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા.