કોટા,રાજસ્થાનના બૂંદી જિલ્લાના કાર્યક્રમમાં ડિસ્કો જોકી(ડીજે) દ્વારા તીવ્ર અવાજમાં સંગીત વગાડવા પર વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે જિલ્લાના લોકોને મોટી રાહત મળી છે. ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક લોકોએ તીવ્ર અવાજમાં સંગીત વગાડવા પર સંપૂર્ણ રીતે રોક લગાવવા માટે શાંતિ સમિતિઓની રચના કરવાનો એક પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો, ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે.સાર્વજનિક અને ખાનગી કાર્યક્રમોમાં તીવ્ર અવાજમાં સંગીત વગાડવું એ સામાન્ય થઈ ગયું છે.
આ સમિતિઓનો પ્રસ્તાવ સર્વસંમતિથી સ્વીકારી લેવામાં આવ્યો, જેના લીધે માર્ચના આરંભમાં જિલ્લામાં ડીજે થકી તીવ્ર અવાજમાં સંગીત વગાડવા પર પૂર્ણ પ્રતિબંધ લગાવવાનો માર્ગ મોકળો થયો. હૃદયની બીમારીથી પીડિત લોકોનું કહેવું છે કે પ્રતિબંધથી તેમને વધુ પરેશાની થશે નહીં અને ઉચ્ચ ડેસિબલ સંગીતથી તેમની તબિયત પ્રભાવિત થાય છે.
બૂંદી શહેરના તિલક ચોક ક્ષેત્રની એક નિવૃત્ત શિક્ષિકા ભગવતી(૭૬)એ કહ્યું કે જ્યારે પણ આસપાસ તીવ્ર અવાજમાં સંગીત વગાડવામાં આવતું હતું, ત્યારે તેમનું હૃદય બેસી જતું હતું અને એ સદમાની સ્થિતિમાં જતી રહેતી હતી. આ અંગે જિલ્લા કલેક્ટર રવીન્દ્ર ગોસ્વામીએ કહ્યું કે આ પગલાંથી જિલ્લામાં પરંપરાગત બેન્ડ કલાકારોને પ્રોત્સાહન મળશે, જે રોજગાર પેદા કરવાની સાથે-સાથે પરંપરાગત સંગીત સંસ્કૃતિનું સંરક્ષણ કરશે. પ્રતિબંધ બાળકો, વિદ્યાર્થીઓ અને વૃદ્ધોને થતી ખલેલથી બચાવશે.હિન્દુ નૂતન વર્ષ અને રામનવમી જેવા અવસરો પર જિલ્લામાં પરંપરાગત બેન્ડ સાથે એક ડઝનથી વધુ જુલૂસ નીકળ્યા હતા. જ્યારે જિલ્લા પોલીસ વડા જય યાદવે દાવો કર્યો કે બૂંદી રાજસ્થાનનો પ્રથમ જિલ્લા બની ગયો છે, જેણે સામુદાયિક ભાગીદારીના માધ્યમથી ડીજે પર પ્રતિબંધ લગાવી દીધો છે.અહીયા નોંધવું રહ્યું કે, ૮૫ ડીબીએસ કે તેથી વધારેની તીવ્રતાનો કોઈ પણ ધ્વનિ સમયની સાથે માનવની સાંભળવાની ક્ષમતાને નુક્સાન પહોંચાડી શકે છે, જ્યારે કેટલાય બેન્ડ અને ડીજે ૧૦૦ ડેસિબલ કે તેથી વધુ પર સંગીત વગાડે છે, તેનાથી અસહનીય ઘોંઘાટ પેદા થાય છે.
દરમિયાન રાજસ્થાનની સરહદે આવેલા બનાસકાંઠા જિલ્લાાના ધાનેરા તાલુકાના ચોપ્પન ગામ આંજણા ચૌધરી સમાજના આગેવાનોની તાજેતરમાં બેઠક મળી હતી. આ બેઠકમાં ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ(એપેક્ષ બોડી) દ્વારા ચોપ્પન ગામમાં આંજણા ચૌધરી સમાજના લગ્ન સહિત પ્રસંગોમાં ડિસ્કો જોકી(ડીજે) દ્વારા વગાડવામાં આવતા સંગીત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેના અનુસંધાનમાં રાજસ્થાનના બૂંદી જિલ્લાના કલેક્ટરે લોકભાગીદારીથી લીધેલો નિર્ણય મહત્વનો માનવામાં આવી રહ્યો છે.