નવીદિલ્હી,
ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી વધી રહી છે. મધ્યપ્રદેશ , રાજસ્થાન, દિલ્હી, ચંડીગઢ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં સોમવારે સવારે ઠંડા પવનો સાથે ગાઢ ધુમ્મસ રહ્યું. મોસમ વિભાગે આ રાજ્યોમાં કડકડતી ઠંડી પડવાનું એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીં તાપમાન ૩થી ૭ ડિગ્રીની રેકોર્ડ કરવામાં આવ્યું. ચૂરુમાં સોમવારે સવારે તાપમાન શૂન્ય ડિગ્રી નોંધાયું. આના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી રહી. ટ્રેન અને ટ્રાન્સપોર્ટેશન પર પણ આની અસર જોવા મળી.
હવામાન વૈજ્ઞાનિકોના અનુસાર, ૩૧ ડિસેમ્બરથી ૪ જાન્યુઆરી સુધીના પાંચ દિવસ સિઝનના સૌથી ઠંડા દિવસો હશે. આ દરમિયાન પંજાબ, હરિયાણાના કેટલાક લિસ્તારોમાં રાતનું તાપમાન માઇનસમાં જઇ શકે છે. તો દિલ્હી, રાજસ્થાન અને પશ્ર્ચિમી ઉત્તર પ્રદેશમાં રાતનું તાપમાન ૧થી ૪ ડિગ્રીની વચ્ચે રહેશે. દિવસનું અધિક્તમ તાપમાન ૧૦થી ૧૪ ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે.
મોસમ વિભાગ અનુસાર ભૂમધ્યસાગરથી ઉઠેલા પશ્ર્ચિમી પવનો હિમાલયનાં ક્ષેત્રોમાં સક્રિય હશે. આના કારણે ૨૯ ડિસેમ્બર પછી પર્વતીય રાજ્યોમાં ભારે હિમવર્ષા થશે. કેટલાંક સ્થાનો પર વરસાદની સંભાવના છે.દિલ્હીના કેટલાક વિસ્તારોમાં સોમવારે સવારે ૮થી ૧૦ની વચ્ચે પારો ૩ ડિગ્રી સુધી પહોંચી ગયો. મોસમ વિભાગે પહેલેથી યલો એલર્ટ જાહેર કર્યું હતું. મોસમ વિભાગ અનુસાર પાલમમાં ન્યૂનતમ ૬.૫ ડિગ્રી, સફદરજંગમાં ૫ ડિગ્રી, આયાનગરમાં ૪.૦ ડિગ્રી, રિજમાં તાપમાન ૪.૧ ડિગ્રી નોંધવામાં આવ્યું છે. અહીં આવનારા ૫ દિવસ કડકડતી ઠંડી પડવાનું અનુમાન છે.
રાજસ્થાનમાં સોમવારે શીતલહેરનો પ્રકોપ ચાલુ છે. રાજ્યમાં ક્રિસમસના દિવસથી કડકડતી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. રવિવારે સિઝનમાં પહેલી વાર બે શહેરોનું તાપમાન માઇનસમાં જતું રહ્યું હતું. માઉન્ટ આબુમાં પારો માઇનસ ૦.૫ પહોંચ્યો, જ્યારે જયપુરના જોબનેરમાં માઇનસ એક ડિગ્રી રહ્યો.
જયપુર શહેરમાં પણ સિઝનની સૌથી ઠંડી રાત રહી અને પારો ૬.૬ ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યો. તો સીકર, ફતેહપુર સહિત ૧૧ શહેરોમાં પારો ગગડીને ૫ ડિગ્રીથી નીચે આવી ગયો. શેખાવટી સહિત કેટલાય વિસ્તારોમાં શીતલહેરની સાથે ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું. આનાથી વિઝિબિલિટી ઓછી થઇ ગઇ.
ઉત્તરના પવનોને લીધે કેટલાક જિલ્લામાં રાતનું તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસની નીચે આવી ગયો. દતિયા સૌથી ઠંડું રહ્યું. અહીં ન્યૂનતમ તાપમાન ૬ ડિગ્રીની આવી ગયું. આના સિવાય ધાર, ગુના, ગ્વાલિયર, પંચમઢી, રાજગઢ, રતલામ, ખજુરાહો, નૌગામ અને સાગરમાં ન્યૂનતમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસની નીચે જતું રહ્યું. શનિવાર સાંજથી ઉત્તરના ઠંડા પવનો વાવવા માંડ્યા. આના કારણે દિવસ અને રાતનું તાપમાન ગગડી ગયું. આગલા ૪૮ કલાક સુધી વાતાવરણ આવું જ રહેશે.
ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. સોમવારે સવારે કેટલાક વિસ્તારોમાં તાપમાન ૧૦ ડિગ્રીની નીચે રહ્યું. રાજ્યનું વાસુકી તળાવ સંપૂર્ણપણે થીજી ગયું. ગંગોત્રીથી કેદારનાથવાળા રસ્તે આ તળાવ આવે છે. ચારધામ યાત્રા દરમિયાન આ તળાવ જોવા જઇ શકાય છે.દરમિયાન ગુજરાતમાં ફરી વળ્યું છે ઠંડીનું મોજું. છેલ્લાં બે દિવસથી અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, સુરત, વડોદરા સહિત રાજ્યના તમામ ઝોનમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધી શકે છે. તેથી દરેકે પોતાની રીતે સતર્ક રહેવાની જરૂર છે. ખાસ કરીને વહેલી સવારે અને સાંજ પડતાની સાથે જ પવનની ગતિ વધુ તેજ બનતા ઠંડા પવનો ફૂંકાય છે. આ સિઝન તમને બીમાર પણ કરી શકે છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે. જેને પગલે દરેકે સ્વાસ્થ્ય સંબંધિત સાવધાની રાખવાની જરૂર છે.
હવામાન વિભાગ દ્વારા ઉત્તરી પવન ફૂંકાતા ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને તેની અસર આગામી દિવસોના વાતાવરણ પર પણ થશે. જેથી આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડશે અને ઠંડી વધશે તેવી પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.આગામી દિવસોમાં ગુજરાતમાં હજુ ઠંડી વધશે અને તેની ખાસ અસર નદી કાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક માટે કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. તાપમાનની વાત કરીએ તો, ૪.૨ ડિગ્રી સાથે કચ્છ જિલ્લાનું નલિયા બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર. ૧૨ ડિગ્રી સાથે અમદાવાદમાં પણ કડકડતી ઠંડીનો અહેસાસ જણાઈ રહ્યો છે. જ્યારે કચ્છ જિલ્લાના ભુજ અને કંડલામાં પણ પારો ૧૦ ડિગ્રીએ પહોંચતા કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે. આ ઉપરાંત રાજ્યના ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઉત્તર-પૂવય પવનની અસરથી આગામી સમયમાં ઠંડીનું જોર વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.