જયપુર
ભારત જોડો યાત્રા’ના રાજસ્થાન પહોંચવા અગાઉ રાજસ્થાન કોંગ્રેસમાં ધમાસાણ મચી શકે છે. ભારતીય જનતા પાર્ટીએ હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી છે કે રાજસ્થાન કોંગ્રેસના મંત્રીઓનો દાવો છે કે તેમની પાર્ટીના ૯૦ કરતા વધુ ધારાસભ્ય રાજીનામું આપી ચૂક્યા છે, પરંતુ ૩ દિવસ વીતવા છતા પણ રાજીનામાં પર વિધાનસભાના અધ્યક્ષે નિર્ણય લીધો નથી. રાજસ્થાન હાઇ કોર્ટમાં રાજ્યના ઉપ નેતા પ્રતિપક્ષ રાજેન્દ્ર રાઠોડે અરજીમાં કહ્યું કે, નિયમ મુજબ, સ્વેચ્છાથી આપવામાં આવેલા રાજીનામાં પર વિધાનસભા અધ્યક્ષે નિર્ણય લેવો જોઇએ.
રાજેન્દ્ર રાઠોડે આજની સુનાવણીમાં પોતે આ બાબતે પેરવી કરશે. મધ્યપ્રદેશ બાદ કોંગ્રેસની ભારત જોડો યાત્રનો આગામી પડાવ રાજસ્થાન છે. તેને લઇને તૈયારીઓ પણ જોર શોરથી ચાલી રહી છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં પાર્ટીની અંદર જ રાજસ્થાનમાં બની રહેલા રાજકીય માહોલે હાઇકમાનનું ટેન્શન વધારી દીધું છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટના અણબનાવના સમાચારો વચ્ચે એક બેઠક પણ આયોજિત થઇ ચૂકી છે.
હાલમાં જ મુખ્યમંત્રી અશોક ગેહલોતે સચિન પાયલટને ગદ્દાર કહી દીધા હતા. તેમણે કહ્યું કે, તેઓ (પાયલટ) ક્યારેય રાજ્યના મુખ્યમંત્રી નહીં બની શકે. ધારાસભ્ય કોઇ એવાને કઇ રીતે સ્વીકારી શકે છે, જેમણે બળવો કર્યો હોય. જેને ગદ્દાર કરાર આપ્યો હોય. તેઓ મુખ્યમંત્રી કઇ રીતે બની શકે છે? ધારાસભ્ય એવા વ્યક્તિને મુખ્યમંત્રીના રૂપમાં કઇ રીતે સ્વીકારી શકે છે. મારી પાસે પુરાવા છે કે ધારાસભ્યોને ૧૦-૧૦ કરોડ રૂપિયા વહેંચવામાં આવ્યા હતા, જેથી રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર પાડી શકાય.
અશોક ગેહલોતના નિવેદન પર સચિન પાયલટની પ્રતિક્રિયા આવી હતી. તેમણે કહ્યું હતું કે, મેં અશોક ગેહલોતની વાત સાંભળી. પહેલા પણ તેમણે મારી વિરુદ્ધ ઘણી વાતો બોલી છે. આ પ્રકારના જુઠ્ઠા અને પાયાવિહોણા આરોપ લગાવવાની આજે જરૂરિયાત નથી. આજે જરૂરિયાત એ વાતની છે કે અમે કઇ રીતે પાર્ટીને મજબૂત કરીએ. પાયલટે આમ પણ કહ્યું હતું કે, ગેહલોત સીનિયર અને અનુભવી નેતા છે. મને ખબર નથી કે કોણ તેમને મારી બાબતે જુઠ્ઠા અને પાયાવિહોણા આરોપ લગાવવાની સલાહ આપી રહ્યું છે.