
- કોંગ્રેસની મળેલ કારમી હાર બાદ રાજ્યના વરિષ્ઠ નેતાઓ ચૂંટણી લડવાનું ટાળી રહ્યા છે.
જયપુર, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા દાવા સાથે કહ્યું કે આ ચૂંટણીમાં ભાજપની જ જીત થશે. એક જાહેર સભામાં શર્માએ સતત ત્રીજી વખત રાજ્યની તમામ બેઠકો પર ભાજપની જીતનો દાવો કર્યો છે. ભાજપ નિશ્ર્ચિત જીતનો દાવો કરી રહ્યું છે ત્યારે રાજસ્થાનમાં લોક્સભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસના નેતાઓની અનિચ્છા સતત સામે આવી રહી છે. કોંગ્રેસ તમામ ૨૫ સીટો પર ઉમેદવારો જાહેર કરવામાં વધુ સમય થઈ રહ્યો છે. ચૂંટણી લડવામાં કોંગ્રેસના ઉમેદવારો પીછેહઠ કરી રહ્યા છે. ઉમેદવારોની અનિચ્છાને લઈને કહેવાય છે કે ૨૦૧૪ અને ૨૦૧૯માં રાજ્યની તમામ ૨૫ લોક્સભા બેઠકો પર કોંગ્રેસની મળેલ કારમી હાર બાદ રાજ્યના વરિષ્ઠ નેતાઓ ચૂંટણી લડવાનું ટાળી રહ્યા છે.
દેશમાં ૧૮મી લોક્સભાની ચૂંટણીની જોરદાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. તમામ પક્ષો પોતાની જીત સુનિશ્ર્ચિત કરવા પ્રચારમાં વ્યસ્ત છે. મયપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ અને છત્તીસગઢમાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ જેવા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ રાજસ્થાનમાંથી કોઈ વરિષ્ઠ નેતા ચૂંટણી લડ્યા નથી.
કોંગ્રેસ હાઈકમાન્ડની ઈચ્છા છતાં પૂર્વ સીએમ અશોક ગેહલોત, કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ સચિન પાયલોટ, જીતેન્દ્ર સિંહ અને પ્રદેશ અયક્ષ ગોવિંદ સિંહ દોતાસરાએ ચૂંટણી લડવાનો ઈક્ધાર કરી દીધો છે. ગેહલોતે જાલોર-સિરોહી બેઠક પરથી તેમના પુત્ર વૈભવ ગેહલોતને ટિકિટ આપી છે. છેલ્લી બે ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસના નેતાઓમાં અજાણ્યાનો ભય જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે ટિકિટ જાહેર થયા બાદ એક ઉમેદવારે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો અને બે ઉમેદવારોએ જાહેરમાં કહ્યું હતું કે તેઓ ચૂંટણી લડવા માંગતા નથી, પરંતુ પક્ષ સંકટમાં છે અને ઉપરથી દબાણને કારણે તેઓ મેદાનમાં ઉતર્યા છે. પક્ષના નેતાઓએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવ્યા પછી, કોંગ્રેસ નેતૃત્વને નાગૌર બેઠક પર રાષ્ટ્રીય લોક્તાંત્રિક પાર્ટી અને સીકરમાં સીપીઆઇ એમ સાથે સમાધાન કરવાની ફરજ પડી હતી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મહેન્દ્ર માલવિયા બાંસવાડા-ડુંગરપુર બેઠક પર ભાજપમાં જોડાયા ત્યારે હવે પાર્ટી નેતૃત્વ ભારત આદિવાસી પાર્ટી સાથે સમાધાન કરવા માંગે છે. કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય સુદર્શન સિંહ રાવતને રાજસમંદ સીટ માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. ટિકિટ ફાઈનલ થયા બાદ રાવત એક અઠવાડિયા માટે અજાણ્યા સ્થળે ગયા હતા. કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી તેમને શોધતી રહી, પરંતુ તેઓ મળી શક્યા નહીં. આખરે ત્રણ દિવસ પહેલા તેઓ સામે આવ્યા અને ચૂંટણી લડવાનો ઈક્ધાર કરી દીધો.
મજબૂરીમાં, ભીલવાડામાં જાહેર કરાયેલા ઉમેદવાર દામોદર ગુર્જરને રાજસમંદ બેઠક પર ખસેડવામાં આવ્યા હતા. ભીલવાડામાં પૂર્વ વિધાનસભા સ્પીકર સીપી જોશીને ટિકિટ આપવામાં આવી છે. જોશી ચૂંટણી લડવા માંગતા ન હતા, પરંતુ હાઈકમાન્ડના દબાણ બાદ તેઓ મેદાનમાં ઉતર્યા છે. ઝુનઝુનુ સીટના કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેન્દ્ર ઓલાએ એક મીટીંગમાં કહ્યું, “હું ચૂંટણી લડવા માંગતો ન હતો, પરંતુ મોટા નેતાઓએ કહ્યું કે પાર્ટી મુશ્કેલીમાં છે.” તેથી જ હું ચૂંટણી લડી રહ્યો છું.
અગાઉ, જયપુર શહેરમાં જાહેર કરાયેલા ઉમેદવાર સુનીલ શર્મા જયપુર ડાયલોગ્સ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અયક્ષ રાહુલ ગાંધી અંગેની તેમની વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે ચર્ચામાં આવ્યા હતા અને તેમની ટિકિટ બદલવામાં આવી હતી. સુનીલની જગ્યાએ પૂર્વ મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસને ટિકિટ આપવામાં આવી છે. ખાચરીયાવાસે કહ્યું, “ભાજપ જયપુરમાં મજબૂત છે. હું ચૂંટણી લડવા માંગતો ન હતો, પરંતુ પાર્ટીના આદેશથી લડી રહ્યો છું. બાડમેર-જેસલમેર બેઠક પર, કોંગ્રેસ નેતૃત્વ વરિષ્ઠ નેતાઓ હેમારામ ચૌધરી અને હરીશ ચૌધરીને ટિકિટ આપવા માંગતું હતું, પરંતુ જ્યારે બંનેએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો, ત્યારે આરએલપીના ઉમેદરામને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા.