રાજસ્થાનમાં સરકારી નોકરી માટે પત્ની સાથે ડિવોર્સ અને પુનર્વિવાહ નો ખેલ!

જયપુર, રાજસ્થાનમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. સરકારી નોકરીમાં છુટ મેળવવા માટે પતિઓ પોતાની પત્નીઓને ડિવોર્સ આપી રહ્યા છે. જોકે આ પ્રકારની ચર્ચાઓ પહેલા પણ સામે આવી હતી પરંતુ ટોંક જિલ્લામાં હવે આ પ્રકારનો પહેલો કેસ નોંધાયો છે. રાજસ્થાન પોલીસ હવે આ મામલાની સમગ્ર તપાસમાં લાગી ગઈ છે. મામલાનો પર્દાફાશ એ રીતે થયો કેમ કે પતિ હવે બીજી મહિલા પાસે જવા લાગ્યો હતો.

રાજસ્થાનમાં પરિત્યક્તાને સરકારી નોકરીમાં પ્રાધાન્ય અને છુટ આપવામાં આવે છે. એટલુ જ નહીં તેઓ નોકરીમાં આવ્યા બાદ લગ્ન પણ કરી શકે છે પરંતુ અમુક ચાલાક લોકો આનો ફાયદો ઉઠાવવા માટે પોતાની પત્ની પાસેથી જ ડિવોર્સ લઈ રહ્યા છે અને આ છુટનો લાભ મળ્યા બાદ ફરીથી તેઓ તેની સાથે જ લગ્ન કરી રહ્યા છે.

ટોંક જિલ્લાના એક પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ શિક્ષક પતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. ૩૨ વર્ષીય પરિણીતાની ફરિયાદ અનુસાર તેના લગ્ન પીપલૂ નિવાસી સાથે ૧૫ મે ૨૦૦૫એ થયા હતા જ્યારે તે પુખ્ત વયની થઈ ત્યારે ૨૦૦૮માં તેનુ આણુ કરવામાં આવ્યુ પરંતુ અમુક દિવસો સુધી સાથે રહ્યા બાદ પતિએ કહ્યુ કે તે ભણેલી છે અને તેને ડિવોર્સ બાદ નોકરી મળી શકે છે તેથી ડિવોર્સ લઈને તેની નોકરીના પ્રયત્ન કરીએ.

આ મુદ્દે ૨૦૧૮એ મહિલાએ તેના પતિને ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પર તલાકનામુ લખાવીને તલાક આપી દીધા. જે બાદ તે તેના પતિ સાથે ઘણા સ્થળોએ રહી પરંતુ તે વારંવાર તેને એ વાત યાદ અપાવતી રહી કે આપણા બંનેના ડિવોર્સ થઈ ગયા છે. કોઈ પણ પ્રકારની બળજબરી ના કરે પરંતુ તેના પતિએ તેની સાથે તે સમયે પણ ઘણી વખત બળજબરી કરી અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ. આ દરમિયાન મહિલાએ એક પુત્રને જન્મ આપ્યો. બાદમાં તે ભીલવાડા રહેવા લાગી.

મહિલાનો જેઠ પણ તેની છેડતી કરતો હતો. તેની જાણ તેણે તેના પતિને કરી તો તે તેની સાથે મારામારી કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે તારા અને મારા વચ્ચે ડિવોર્સ થઈ ગયા છે પરંતુ પરિવારના લોકોના દબાણના કારણે ૪ જૂન ૨૦૨૦એ પુનર્વિવાહ કર્યા છે. હવે પતિ ઘણા દિવસો સુધી સાથે રહ્યા બાદ કહી રહ્યો છે કે તે તેની સાથે રહેવા માંગતો નથી. તે અન્ય મહિલા શિક્ષિકા સાથે લગ્ન કરશે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે પીડિતાનું નિવેદન નોંધી લેવાયુ છે. કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે.