
જયપુર, રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. આ પહેલા પ્રદેશની ગેહલોત સરકાર જનતાને આકર્ષવાનો પ્રયત્ન કરી રહી છે. આ જ કડીમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત મહિલાઓ માટે એક ખાસ યોજના લાવ્યા છે. આ યોજના મોબાઈલને લઈને છે જે હેઠળ મહિલાઓ પોતાની પસંદગીના મોબાઈલ ખરીદી શકશે. સીએમ ગેહલોતે કહ્યું કે સરકાર ઓગસ્ટમાં રક્ષાબંધન પર આ યોજના શરૂ કરશે. અમે મહિલાઓને સ્માર્ટફોન માટે એક નિશ્ર્ચિત રકમ આપીશું.
મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે સરકાર એક પ્રકારના મોબાઈલ આપી શકે છે પરંતુ બજારમાં અનેક પ્રકારના મોબાઈલ ઉપલબ્ધ છે. આથી અમે લોકોને વિકલ્પ આપીશું કે તમે જાઓ અને તમારી પસંદનો મોબાઈલ લો, એક નિર્ધારિત રકમ સરકાર આપશે.
અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા અશોક ગેહલોતે કહ્યું હતું કે અમે ફ્રીમાં સ્માર્ટફોન આપીશું. જેમાં તમને ૩ વર્ષ સુધી ફ્રી ઈન્ટરનેટ મળશે. ગેહલોતે બજેટ ૨૦૨૧માં રાજસ્થાનની ૧.૩૫ કરોડ મહિલાઓને સ્માર્ટફોન આપવાની જાહેરાત કરી હતી. થોડા સમય પહેલા તેમણે આ વર્ષ ૩૦ ઓગસ્ટના રોજ રક્ષાબંધનથી તબક્કાવાર રીતે સ્માર્ટફોન આપવાની વાત કરી હતી.
મુખ્યમંત્રી ગેહલોતે આ યોજના વિશે વધુમાં કહ્યું કે મોબાઈલ એક એવી વસ્તુ છે જેને તમે બજારમાં ખરીદવા જશો તો તમને તમારી પસંદનો મળી જશે. જેમ કે કેટલા જીબીનો મોબાઈલ લેવાનો છે. કઈ બ્રાન્ડ તમને ગમે છે જેને તમે ખરીદવા માંગો છો. કયું મોડલ ખરીદવાનું છે. સીએમએ કહ્યું કે અમે કંપનીઓ સાથે આ અંગે વાતચીત કરી રહ્યા છીએ. કંપનીઓ મોંઘવારી રાહત શિબિર જેવા કાઉન્ટર સ્થાપિત કરે અને લોકોને વિકલ્પ આપે. સ્માર્ટફોન આપવાનો હેતુ મહિલા સશક્તિકરણ છે.