લોક્સભાની ચૂંટણી બાદ રાજસ્થાનની નવી ભજનલાલ સરકારને આ વર્ષે વધુ ૩ ચૂંટણીઓનો સામનો કરવો પડશે. જેમાં રાજ્યસભાની એક બેઠક, વિધાનસભાની પેટાચૂંટણી અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી આ વર્ષે યોજાય તેવી શક્યતા છે.
કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ લોક્સભાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ રાજસ્થાનમાં તેમની રાજ્યસભાની બેઠક હવે ખાલી પડી રહી છે. જો કે બહુમતીના આધારે હવે આ બેઠક ભાજપના ખાતામાં જતી જોવા મળી રહી છે. રાજસ્થાનમાં રાજ્યસભાની ચૂંટણી ઉપરાંત આ વર્ષે વિધાનસભાની પેટાચૂંટણી અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પણ યોજાવાની છે. લોક્સભા ચૂંટણીમાં ૧૧ બેઠકો ગુમાવનાર રાજ્યની નવી ભજનલાલ સરકાર પર હવે આ ચૂંટણીઓમાં વધુ સારું પ્રદર્શન કરવાનું ભારે દબાણ હશે.
રાજસ્થાનમાં ખિંવસર, દૌસા, ચૌરાસી, ઝુંઝુનુ અને દેવલી ઉનિયારામાં વિધાનસભા પેટાચૂંટણી યોજાવાની છે કારણ કે અહીંના ધારાસભ્યો હવે લોક્સભાના સાંસદ બની ગયા છે. ભાજપ પાસે આમાંથી એક પણ બેઠક નથી. લોક્સભા બેઠકો જ્યાં આ વિધાનસભાઓ આવે છે ત્યાં પણ આ ચૂંટણીમાં ભાજપની હાર થઈ હતી. ખિંવસરથી આરએલપીના હનુમાન બેનીવાલ, દૌસાથી કોંગ્રેસના મુરારી મીણા, ચૌરાસીથી બીએપીના રાજકુમાર રોટ, ઝુંઝુનુથી કોંગ્રેસના બ્રિજેન્દ્ર ઓલા અને દેવલી ઉનિયારાથી કોંગ્રેસના હરીશ મીના ધારાસભ્ય હતા. હવે પાંચેય સાંસદ બની ગયા છે. તેથી આ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે.
વિધાનસભાની પેટાચૂંટણી અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ લગભગ નજીકમાં જ યોજાશે. પેટાચૂંટણીના પરિણામોની ભલે સરકાર પર કોઈ અસર ન થાય, પરંતુ તે સરકારની તરફેણમાં કે વિરુદ્ધનું વાતાવરણ સર્જે છે. તે જ સમયે, જો પેટાચૂંટણીઓ અગાઉ યોજવામાં આવે છે, તો તેની અસર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પર પણ થવાની ખાતરી છે.