રાજસ્થાનમાં ગરીબોને ફક્ત ૮ રૂપિયામાં ભોજન મળશે.

જયપુર, આજે શાકભાજી અને તેલની કિમંતોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. મોંઘવારીના કારણે સામાન્ય માણસ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. તો ગરીબો માટે બે ટંક ભોજનના પણ ફાંફા પડી રહ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ગરીબોને રાહત આપવા અનેક યોજનાનું સંચાલન કરે છે. પરંતુ બહુ ઓછા રાજ્ય છે જ્યાં આ પ્રકારની યોજનાનો અમલ થાય છે. રાજસ્થાન સરકાર ગરીબોના બે ટંક ખાવાની ભોજનની સમસ્યા દૂર કરવા સાથે તેમને ભરપેટ ભોજન મળે માટે યોજના લાવી છે.

આ યોજના હેઠળ ગરીબોને ફક્ત ૮ રૂપિયામાં ભોજન મળશે. સીએમ અશોક ગેહલોતની સરકારે આ યોજનાનું નામ ઇંદિરા રસોઈ યોજના રાખ્યું છે.

સીએમ અશોક ગેહલોતની સરકાર ગરીબો અને જરૂરિયાતમંદને ઓછી કીમંતે ભોજનની થાળી આપશે રાજસ્થાન સરકાર ગરીબોની ભૂખ દૂર કરવા ફક્ત ૮ રૂપિયામાં આખી થાળી આપી રહી છે. આ યોજના હેઠળ જરૂરિયાતમંદને તાજું અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવે છે. ૮ રૂપિયાની આ થાળીમાં ૧૦૦-૧૦૦ ગ્રામ શાક અને દાળ સાથે ૨૫૦ ગ્રામ રોટલી અને સાથે સ્વાદ માટે અથાણું પણ આપવામાં આવે છે. સરકાર આ યોજનામાં સ્થાનિક સંસ્થાઓની મદદ લેતા સફળપૂર્વક યોજનાનું સંચાલન કરી રહી છે. આ યોજનાને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ યોજના હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદને સવારે ૮ વાગ્યાથી લઈને બપોરે ૩.૦૦ વાગ્યા સુધીમાં થાળી આપવામાં આવે છે જ્યારે સાંજે ૫ વાગ્યાથી લઈને રાતે ૯ વાગ્યા સુધીના સમયમાં ગરીબો ભોજન કરી શકે છે.

ઇંદિરા યોજના હેઠળ ભોજન કરતાં લાભાર્થીને સમ્માનપૂર્વક બેસાડી થાળી પીરસવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદેશ્ય ગરીબો અને જરૂરિયાતમંદને ૮ રૂપિયા જેવા ઓછી કિમંતે ભોજન આપી તમામના આરોગ્યસ્તરમાં સુધારો લાવવાનો છે. જો નાગરિકો સ્વસ્થ હશે તો તેઓ વધુ પરિશ્રમ કરી રાજ્યના વિકાસમાં સહભાગી બની શકશે.

રાજસ્થાન સરકારે ૨૦ ઓગસ્ટ ૨૦૨૦માં ઇંદિરા રસોઈ યોજનાની શરૂઆત કરી હતી. જેને સરકાર ૩૫૮ રસોઈયા દ્વારા ૨૧૩ નગર નિગમમાં ચલાવવામાં આવે છે. ઇંદિરા રસોઈ યોજનાને સારો પ્રતિસાદ મળતા સરકારે આ વર્ષના બજેટમાં રસોઈયાની સંખ્યા વધારીને ૧૦૦૦ કરવાની ઘોષણા કરી. આ યોજના માટે સરકાર તરફથી દર વર્ષે ૧૫૦ કરોડનું ભંડોળ પૂરુ પાડવામાં આવે છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતની સરકાર જરૂરિયાતમંદને લાભ પંહોચાડવાના ઉદેશ્ય હેઠળ કરોડથી પણ વધુ ફંડનો આ યોજના પાછળ ખર્ચ કર્યો છે.