રાજસ્થાનમાં કોંગ્રેસ ફરી સરકાર બનાવી શકે છે.: સર્વે

જયપુર, રાજસ્થાનમાં વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. આવી સ્થિતિમાં એક સર્વે સામે આવ્યો છે જે કોંગ્રેસને રાહત આપતો હોય તેવું લાગી રહ્યું છે. સર્વે અનુસાર રાજ્યમાં કોંગ્રેસ ફરી સરકાર બનાવી શકે છે.ભારતીય જનતા પાર્ટી માટે રાહતની બે બાબતો પણ પ્રકાશમાં આવી છે.

રાજસ્થાન ચૂંટણી પહેલા કરવામાં આવેલા ૬૭૦૫ લોકોનો ઓપિનિયન પોલ લેવામાં આવ્યો હતાં સર્વે મુજબ કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણીમાં ૨૦૦માંથી ૧૦૧ બેઠકો જીતી શકે છે. આ વખતે ભાજપને ૯૩ બેઠકો મળી શકે છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ ઓછામાં ઓછી ૯૭ સીટો અને વધુમાં વધુ ૧૦૫ સીટો જીતી શકે છે. જ્યારે ભાજપ ૮૯થી ૯૭ બેઠકો કબજે કરી શકે છે.

સર્વેમાં રાજસ્થાનના લોકોને તેમના લોકપ્રિય નેતા વિશે પૂછવામાં આવ્યું હતું. રાજ્યના ૩૮ ટકા લોકોએ અશોક ગેહલોતને પોતાના પ્રિય નેતા ગણાવ્યા. જ્યારે ૨૬ ટકા લોકોએ ભાજપના દિગ્ગજ નેતા વસુંધરા રાજેના પક્ષમાં મતદાન કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે રાજ્યના ૨૫ ટકા લોકોએ કોંગ્રેસના યુવા નેતા સચિન પાયલોટને તેમના પ્રિય નેતા ગણાવ્યા. સર્વેમાં ૪૮ ટકા લોકોએ સીએમ ગેહલોતના કામને સારું રેટિંગ આપ્યું છે.

સર્વે અનુસાર આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કુલ ૪૦ ટકા વોટ મળી શકે છે. વર્ષ ૨૦૧૮માં ભાજપને ૩૯ ટકા વોટ મળ્યા હતા. એટલે કે ભાજપનો વોટિંગ શેર એક ટકા વધી શકે છે. આ વખતે ચૂંટણીમાં ભાજપ ૮૯ થી ૯૭ સીટો જીતી શકે છે. મતલબ કે જો સર્વેના આંકડા સાચા હોય તો વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા પણ વધવાની છે.