રાજસ્થાનમાં ભીષણ ગરમી : પાક. સરહદે પારો ૫૫ ડિગ્રી પાર,ગરમીને કારણે જવાનનું મૃત્યું

જયપુર, રાજસ્થાનમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. સમગ્ર રાજ્ય અંગ દઝાડતી ગરમી અને લૂથી ત્રાહિમામ પોકારી ઊઠયું છે. ભારત-પાકિસ્તાનની પશ્ચિમી સરહદ પર પણ અગનગોળા વરસી રહ્યા છે અને રણની રેત જાણે આગના દરિયામાં ફેરવાઇ ગઇ છે.

પાકિસ્તાન સરહદે ગરમીનો પારો ૫૫ ડિગ્રી સે. પાર જઇ ચૂક્યો છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આખા ક્ષેત્રમાં ગરમ અને શુષ્ક પશ્ચિમી પવન ફુંકાઇ રહ્યો છે, જે સિંધ, બલૂચિસ્તાન અને થાર રેગિસ્તાન જેવા ક્ષેત્રોમાંથી આવી રહ્યો છે. આ પવન એ ક્ષેત્રોમાંથી પસાર થઇ રહ્યો છે કે જ્યાં તાપમાન ૫૦ ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. આ કારણથી સમગ્ર રાજસ્થાનમાં અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનમાં ભીષણ ગરમીનો પ્રકોપ હજુ બે-ત્રણ દિવસ સુધી જારી રહેવાની હવામાન વિભાગની આગાહી છે. રાજ્યમાં ગરમીના કારણે છેલ્લા ચાર દિવસમાં ૨૪ લોકોના મોત થયા છે. રવિવારે જાલૌર અને નાગૌરમાં એક-એક મોત થયું હતું. છેલ્લા ૨૪ કલાકમાં રાજસ્થાનના ફલૌદીમાં ૫૦ ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું. જેસલમેર, બાડમેર અને જોધપુરમાં મહત્તમ તાપમાન ૪૮ ડિગ્રી, ગંગાનગર, બીકાનેર અને જયપુરમાં ૪૭ ડિગ્રી, કોટામાં ૪૬ ડિગ્રી જ્યારે ચિત્તોડગઢ, ફતેહપુર અને ભીલવાડામાં ૪૫ ડિગ્રી સે. આસપાસ છે. રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં રવિવારે ૪૪ ડિગ્રી સે.થી વધુ તાપમાન નોંધાયું હતું. દરમિયાન, કાળઝાળ ગરમીના કારણે ઉદયપુરમાં ત્રણ દિવસમાં ૩૦૦ ચામાચીડિયાના મોત થયા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે જેસલમેર સરહદ પર તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સનો એક જવાન શહીદ થયાના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, બોર્ડર પર શહીદ થયેલા જવાનની ઓળખ અજય કુમાર તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, સૈનિકનું મોત હીટ સ્ટ્રોકના કારણે થયું છે. અજય કુમારને રવિવારે (૨૬ મે) ના રોજ બોર્ડર પોસ્ટ ભાનુ પર તૈનાત કરવામાં આવ્યા હતા. કાળઝાળ ગરમીના કારણે તેમની તબિયત લથડી હતી. આ પછી તેને સારવાર માટે રામગઢ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સૈનિકનું આજે એટલે કે સોમવારે (૨૭ મે) સવારે હોસ્પિટલમાં મોત થયું હતું. શહીદ જવાનને રામગઢ હોસ્પિટલ પરિસરમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન ૧૭૩મી કોર્પ્સ બોર્ડર સિક્યુરિટી ફોર્સના અધિકારીઓએ પણ સૈનિકને ફૂલ સર્કલ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

દેશના ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ ભયાનક ગરમી પડી રહી છે. આસામના પાટનગર ગુવાહાટીમાં પારો ૪૦ ડિગ્રી પાર જઇ ચૂક્યો છે, જેના પગલે હવામાન વિભાગે હીટ વેવનું એલર્ટ જારી કર્યું છે. ગુવાહાટીમાં શનિવારનો દિવસ સૌથી ગરમ રહ્યો. ૧૯૬૦ બાદ પહેલીવાર ગુવાહાટીમાં તાપમાન ૪૦.૧ ડિગ્રી સે. સુધી પહોંચી ગયું, જે સરેરાશથી ૮ ડિગ્રી વધારે હતું. આ અગાઉ ૧૯૬૦ના મે મહિનામાં પારો ૪૦.૩ ડિગ્રી સે. સુધી પહોંચી ગયો હતો, જે ગુવાહાટીમાં મે મહિનાનું સર્વાધિક તાપમાન હતું.

ઉત્તરપ્રદેશમાં ગરમી રેકોર્ડ તોડી રહી છે. દિવસ કરતાં રાતની ગરમી વધુ બેહાલ કરી રહી છે. લખનઉમાં ૨૪ વર્ષ બાદ મે મહિનાની સૌથી ગરમ રાત રહી. ગત ગુરુવાર-શુક્રવારની રાત્રે લખનઉમાં ૩૧.૩ ડિગ્રી સે. લઘુતમ તાપમાન નોંધાયું હતું, જે સામાન્યથી ૫.૮ ડિગ્રી વધારે હતું. બીજી તરફ રાજધાની દિલ્હીમાં પણ ગરમીથી રાહતના હાલ કોઇ સંકેત નથી. શનિવારે દિલ્હીમાં ગરમીનું પ્રચંડ રૂપ જોવા મળ્યું કે જ્યારે વોટિંગ દરમિયાન ઘણા લોકો બેભાન થઇ ગયા હતા. દિલ્હીના કેટલાક ભાગોમાં તાપમાન ૪૫ ડિગ્રી સે.થી વધુ રહ્યું હતું.