રાજસ્થાનના બાડમેરમાં એક શખ્સને પેપર વાંચતા વાંચતા હાર્ટ અટેક આવતા મોત


બાડમેર,
રાજસ્થાનના બાડમેરમાં એક શખ્સનું અખબાર વાંચતા વાંચતા મોત થઈ ગયું. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેને લઈને તે હાલ ખૂબ ચર્ચામાં છે. તે એક કાપડનો વેપારી હતો. ગત ૫ નવેમ્બરે દિલીપ બાડમેરના એક ક્લિનિકમાં પહોંચ્યા હતા. તે રિસેપ્શન પાસે બેસીને અખબાર વાંચી રહ્યો હતો. થોડી જ વારમાં તેમની તબિયત ખરાબ થઈ અને ક્લિનીકમાં જ ધરાશાયી થઈ ગયો હતો. આ જોઈને ક્લિનિકમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યાં હાજર લોકો દિલીપની મદદ કરવાની કોશિશ કરી. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરર્સે દિલીપને મૃત જાહેર કર્યો હતો. બાદમાં આ ઘટનાનો સીસીટીવી ફુટેજ સામે આવ્યા, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર બાડમેરના પચપદરા વિસ્તારના રહેવાસી દિલીપ કુમાર કેટલાય વર્ષથી સૂરતમાં કાપડનો વેપાર કરતા હતા. થોડી દિવસ પહેલા તેઓ સામાજિક પ્રસંગમાં ભાગ લેવા માટે બાડમેર આવ્યા હતાં. ૫ નવેમ્બરને તેમને દાંતમાં દુખાવો થતાં નજીકના ક્લિનિકમાં પહોંચ્યા હતા. અહીં વેઈટિંગ હોલમાં અખબાર વાંચી રહ્યા હતા, તે દરમિયાન અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. દિલીપના ભાઈ મહેન્દ્રએ જણાવ્યું છે કે, બાડમેરમાં આવ્યા ત્યારે એકદમ સ્વસ્થ્ય હતા. બાદમાં તેમની તબિયત ખરાબ થઈ ગઈ. ભાઈના જણાવ્યા અનુસાર, દિલીપને માઈનર હાર્ટ અટેક આવ્યો હતો. તેમના મોતનો વીડિયો જોયા બાદ લોકો કહી રહ્યા છે કે, કોરોના સંકટમાં બિમાર પડ્યા બાદ લોકો સાથે આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે, જેના પર સંશોધન કરવાની જરુર છે. જો કે એ સ્પષ્ટ થઈ શક્યુ નથી કે, દિલીપને અગાઉ કોરોના થયો હતો કે નહીં.