કાઠમાંડૂ, નેપાળમાં ૨૦૦૮માં પૂર્વ રાજા જ્ઞાનેન્દ્રને સત્તા પરથી હટાવતાની સાથે જ રાજાશાહીનો અંત આવ્યો હતો. જોકે રાજાશાહીનુ સમર્થન કરનાર મોટો વર્ગ નેપાળમાં આજે પણ છે. નેપાળના લોકોએ રાજાશાહી લાગુ કરવાની અને દેશને હિન્દુ રાષ્ટ્રનો દરજ્જો પાછા આપવાની માંગ સાથે એક રેલી કાઢી હતી અને પીએમ ઓફિસ સુધી જવાનો પ્રયત્ન કર્યો હતો. લોકોને રોકવા માટે પોલીસે રસ્તા પર લગાવેલા બેરિકેડ પણ તોડવાના પ્રયત્નો થયા હતા.
પોલીસે દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો હતો અને વોટર કેનનનો પ્રયોગ પણ કર્યો હતો. જોકે કોઈ પ્રદર્શનકારીને ગંભીર ઈજા નથી પહોંચી પણ દેશમાં રાજાશાહી અને હિન્દુ રાષ્ટ્ર માટે લોકોનો વધી રહેલો ઝુકાવ જોઈને નેપાળની સરકાર ચોંકી ઉઠી છે.
આ રેલી કાઢવાનુ એલાન રાજા જ્ઞાનેન્દ્રની સમર્થક મનાતી રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી અથવા નેશનલ ડેમોક્રેટિક પાર્ટી તરીકે ઓળખાતા પક્ષ દ્વારા કરવામાં આવ્યુ હતુ. દેખાવકારોએ રાજાશાહી વાપસ લાઓ…લોકશાહી ખતમ કરો…ના નારા લગાવ્યા હતા. લોકોએ કહ્યુ હતુ કે, અમે અમારા રાજાને અમારા જીવ કરતા પણ વધારે પ્રેમ કરીએ છે.
લોકોએ નેપાળને ફરી હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગ પણ કરી હતી. ૨૦૦૭માં નેપાળના બંધારણમાં સંશોધન કરીને તેને સેક્યુલર દેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો. તે સમયે રાજા જ્ઞાનેન્દ્ર સામે પણ ભારે વિરોધ થયો હતો અને તેના કારણે તેમને સત્તા છોડવી પડી હતી. બે વર્ષ બાદ સંસદે રાજાશાહી ખતમ કરવા માટે મતદાન કર્યુ હતુ. એ પછી રાજા જ્ઞાનેન્દ્ર સામાન્ય માણસની જેમ જ જીવન વીતાવી રહ્યા છે.
રાજાશાહીનુ સમર્થન કરનારા લોકો દેશની રાજકીય પાર્ટીઓ પર નિષ્ફળ શાસન અને ભ્રષ્ટાચારના આરોપ મુકી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે, લોકો રાજકારણીઓથી ખુશ નથી. રાજાશાહી ખતમ થયા બાદ નેપાળમાં ૧૩ સરકારો બની ચુકી છે પણ આ સરકારો ભારત અને ચીન વચ્ચે ફસાયેલી રહે છે અને કોઈ કામ કરતી નથી.
નેપાળમાં તાજેતરમાં પીએમ પુષ્પ કમલ દહલ પ્રંચડે નેપાળી કોંગ્રેસ સાથે જોડાણ તોડીને હવે કેપી શર્મા ઓલીની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ સાથે મળીને સરકાર બનાવી છે. જેનો ઝુકાવ ચીન તરફ છે.