આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ માટે રાજકીય પક્ષોની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. હવે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે એમએનએસએ પણ મોટી જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ, એમએનએસ આગામી ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ૨૦૦ થી ૨૨૫ સીટો પર ઉમેદવારો ઉભા રાખવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે એમએનએસએ લોક્સભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા કર્યા ન હતા અને ભાજપ-શિવસેનાના ઉમેદવારોને સમર્થન આપ્યું હતું.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા પ્રકાશ મહાજને માહિતી આપી હતી કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એમએનએસ ૨૦૦ થી ૨૨૫ બેઠકો પર ઉમેદવારો ઉભા કરશે. પ્રકાશ મહાજને જણાવ્યું છે કે આ નિર્ણય એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેએ લીધો છે અને પાર્ટી કાર્યર્ક્તાઓ તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી થવાની સંભાવના છે.
એમએનએસ નેતાએ કહ્યું કે તેમની પાર્ટી જાતિ આધારિત અનામતની વિરુદ્ધ છે. એમએનએસ માને છે કે આવા તમામ લાભો આથક માપદંડ પર આધારિત હોવા જોઈએ. તમને જણાવી દઈએ કે એમએનએસ અને તેના પ્રમુખ રાજ ઠાકરેએ લોક્સભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી શિવસેના અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શાસક ગઠબંધનને સમર્થન આપ્યું હતું.
બીજી તરફ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અજિત પવારે જાહેરાત કરી કે તેમની પાર્ટી મહારાષ્ટ્રમાં નાગરિક ચૂંટણી સ્વતંત્ર રીતે લડશે. લોક્સભા ચૂંટણીમાં એનસીપીના ખરાબ પ્રદર્શન બાદ સ્થાનિક નેતાઓ અને કાર્યકરો પક્ષ બદલી રહ્યા હોવાના અહેવાલો વચ્ચે આ જાહેરાત કરવામાં આવી છે