મુંબઇ,
બિઝનેસમેન રાજ કુંદ્રા જાહેરમાં હંમેશાં માસ્કમાં જોવા મળે છે. તે ફોટોગ્રાફર્સના સવાલોનો જવાબ પણ આપતો નથી, પરંતુ તે સો.મીડિયામાં એક્ટિવ છે. તે ચાહકોને જવાબ આપે છે અને કોઈ પણ મુદ્દે ખુલીને વાત કરે છે. હાલમાં જ રાજ કુંદ્રાએ એક પોસ્ટમાં શલન ચોપરાને આડેહાથ લીધી હતી. આ સાથે જ રાજે તેને ’સમાજ માટે જોખમ’ હોવાનું કહ્યું હતું. રાજે શલનની ધરપકડની પણ વાત કરી હતી.
રાજ કુંદ્રાએ એક પોસ્ટમાં કહ્યું હતું, ’કેટલાક લોકોને ભસવાની આદત હોય છે અને કેટલાંકને આંગળી કરવી ગમે છે. ભસતા લોકોની અસલિયત ટૂંક સમયમાં જ સામે આવશે.’ આ પોસ્ટ પર એક યુઝરે કમેન્ટ કરી હતી કે શલન ચોપરાએ પોતાનો એક વીડિયો એપ પર રિલીઝ કર્યો છે. રાજે મુંબઈ પોલીસને પણ સવાલ કર્યો છે.
રાજ કુંદ્રાએ અન્ય એક પોસ્ટમાં કહ્યું હતું, ’તે પણ આ જ વાત કહેવા માગે છે. તે મારા પર આક્ષેપો કરી રહી છે, પરંતુ તે જ એક્સ રેટેડ કન્ટેન્ટ પ્રોડ્યૂસ કરે છે. તે વલ્ગારિટી તથા મહિલાઓના અધિકારીની વાત કરે છે અને તે આ પ્રકારનું અભદ્ર કન્ટેન્ટ પ્રોડ્યૂસ કરે છે. ટૂંક સમયમાં તેની ધરપકડ થશે. તે સમાજ માટે જોખમી છે.’
ઉલ્લેખનીય છે કે શલન ચોપરાએ ઓગસ્ટ, ૨૦૨૧માં રાજ કુંદ્રા-શિલ્પા શેટ્ટી પર કેસ કર્યો હતો. શલને બંને પર ફ્રોડ તથા મેન્ટલ હેરેસમેન્ટનો આક્ષેપ મૂક્યો હતો. આ સાથે જ ૭૫ કરોડનો માનહાનિ કેસ કર્યો હતો. શલને કહ્યું હતું કે તેણે રાજના અનેક પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. મુંબઈ પોલીસે ગયા વર્ષે રાજ કુંદ્રાની પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરી હતી. રાજ કુંદ્રા બે મહિના જેલમાં રહ્યો હતો અને ત્યારબાદ તે જામીન પર છૂટ્યો હતો.