રેલવેટ્રેક પર સેલ્ફી લેવા જતાં યુવક જીવતો સળગ્યો

લખનૌ,

ઉત્તરપ્રદેશના કૌશાંબીમાં સેલ્ફી લેવાની ઘેલછા યુવકને ભારે પડી ગઈ હતી. સેલ્ફી લેવા માટે ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન પોલને સ્પર્શ કરતાંની સાથે જ યુવક હાઇ વોલ્ટેજ વીજ કરંટની ઝપેટમાં આવી ગયો હતો અને તે જીવતો જ સળગવા લાગ્યો હતો. ધડાકા સાથે વીજતારમાં સ્પાકગ થતાં આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

કૌશાંબીમાં પુરમુતિ પોલીસ સ્ટેશન વિસ્તારના મંદાર ગામનો રહેવાસી શાહરુખ સોમવારે તેના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો. ક્રિકેટ રમીને ઘરે પરત ફરતી વખતે બપોરે લગભગ ૩.૩૦ વાગ્યે પ્રયાગરાજ-કાનપુર રેલવેલાઈન પર બની રહેલા ગુડ્સ ટ્રેનના ટ્રેક પર શાહરુખ સેલ્ફી લેવા ગયો હતો.શાહરુખ રેલવેલાઇનના ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન વીજપોલ પાસે પહોંચ્યો અને સેલ્ફી લેવા માટે થાંભલાને અડતાંની સાથે જ તેને હાઈ વોલ્ટેજ કરંટ લાગ્યો અને તે જીવતો જ સળગવા લાગ્યો. તેને જીવતો સળગતો જોઈ તેના મિત્રોએ રેલવે સ્ટાફને જાણ કરી હતી. એ બાદ પાવર કટ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી શાહરુખ વીજપોલથી છૂટો પડ્યો હતો અને તડપી રહ્યો હતો. પોલીસને જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચીને દાઝી ગયેલા યુવકને ગંભીર હાલતમાં પ્રયાગરાજની એસઆરએન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

શાહરુખના પિતા મુખ્તારે જણાવ્યું હતું કે પુત્રને ક્રિકેટ રમવાનો શોખ છે. સવારે તે તેના મિત્રો સાથે મેચ રમવા ગામની બહાર રેલવેલાઇનને પાર કરીને બીજી તરફ ગયો હતો. તે આ જ રેલવેલાઇનને પાર કરીને આવતો હતો. આજે ખબર નહીં કેવી રીતે તેણે પરત ફરતી વખતે સેલ્ફી લેવાનું વિચાર્યું અને સેલ્ફી લેવાના ચક્કરના કારણે વીજ કરંટની ઝપેટમાં આવીને તે ગંભીર રીતે દાઝી ગયો હતો. ઉત્તર મય રેલવેના પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર અમિત માલવિયાએ જણાવ્યું હતું કે “તેને આ ઘટનાની જાણ નથી. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનો આ કિસ્સો છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.