- દાહોદમાં કોરોના કાળથી બંધ પડેલી ગોદીરોડ તરફની ટીકીટ વિન્ડો પુન: શરૂ કરાઈ
- કોરોના કાળ સમયથી બંધ કરાયેલી ટ્રેનો શરૂ થવાની ચાતક નજરે રાહ જોતા દાહોદવાસીઓ.
- DRMના ઇન્સ્પેક્શન દરમિયાન સાંસદ દ્રારા કરાયેલી રજૂઆતોના નિકાલ માટે રેલ્વે તંત્રની શરૂઆત.
દાહોદ,પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં સમાવિષ્ટ દાહોદ જીલ્લો આમ તો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ત્રિભેટે આવેલો છે, તો સાથે સાથે પૂર્વથી પહેલી ગુજરાતની સીટી ગણાતી દાહોદમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે લાઈફ લાઈન ગણાતી મેમુ ડેમો ઇન્ટરસિટી જેવી ટ્રેનો રેલવે તંત્રએ બંધ કરી દીધી હતી. આ ઉપરાંત અત્રેથી પસાર થતી સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેનોના સ્ટોપેજ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા, તો બીજી તરફ ટ્રેનો બંધ થવાથી રેલવેની રેવન્યુને પણ મોટો ફટકો પડતા ગોદીરોડ તરફની ટિકિટ વિન્ડો રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી હતી. તો ટ્રેનો બંધ થવાના કારણે મુસાફરોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતા રેલવે પાર્કિંગને પણ મોટું નુકસાન પહોંચવા પામ્યું હતું. જેના પગલે ઊંચા ભાડાથી ચાલતું રેલવે પાર્કિંગ નુકસાનમાં જતા એજન્સી દ્વારા રેલવે પાર્કિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું અને છેલ્લા લાંબા સમયથી ઉપરોક્ત રેલ સંબંધી બાબતોના નિકાલ માટે સાંસદ દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી હતી પરંતુ યોગ્ય નિકાલ ન થતા રેલ્વેએ દાહોદને અછૂતો છોડી દીધો હોય તેમ લાગી રહ્યું હતું. ત્યારે તાજેતરમાં દાહોદ સ્ટેશનના ઇન્સ્પેક્શનમાં આવેલા ડી આર એમ રજનીશકુમાર સમક્ષ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર DRUCCના મેમ્બરો દ્વારા રેલવે સંબંધિત બાબતો મામલે ઉગ્ર રજૂઆતો કરતા કેટલાક મુદ્દાઓને લઈને ડીઆરએમએસ સ્થળ પર જ નિકાલ કરી દીધો હતો અને બાકી બચેલા મુદ્દાઓ મામલે ઘટતું કરવા હૈયા ધરપત આપી હતી. ત્યારે આજરોજ રેલવે તંત્રના આદેશો બાદ કોરોના કાળથી બંધ પડેલી ગોદીરોડ તરફની ટિકિટ બારી આજથી શરૂ કરવામાં આવતા ગાંધી રોડ સહિત દાહોદ વાસીઓમાં આણંદની લાગણી છવાઈ જવા પામી હતી. તો બીજી તરફ રેલવે તંત્રએ પાર્કિંગના નિયમો હળવા કરતા તેનામાં ટેન્ડર ભરાઈ જતા રેલવે પાર્કિંગ પણ શરૂ થઈ જતા અત્રેથી મુસાફરી કરવા આવતા વાહન ચાલકો માટે પણ આ એક રાહતના સમાચાર છે. જોકે, હાલ તો આ વિસ્તારના નાના તેમજ ગરીબ મધ્યમ વર્ગ માટે લાઈફ લાઈન ગણાતી વલસાડ ઇન્ટરસિટી આણંદ, દાહોદ મેમો, વડોદરા, દાહોદ મેમો સહિતની લોકલ ટ્રેનો ક્યારે શરૂ થશે. તેની આ વિસ્તારના લોકો ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદના સાંસદ છેલ્લા ઘણાં સમયથી સુપરફાસ્ટ તેમજ સાપ્તાહિક ટ્રેનોના સ્ટોપેજ માટે માંગણી કરી રહ્યા છે, પરંતુ કોરોનાકાળ પેહલા દાહોદ ખાતે ઉભી રહેતી કેટલીક મહત્વપૂર્ણ ટ્રેનોના સ્ટોપેજ કોરોનાકાળ બાદ બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે સાંસદની રજૂઆતોને જો રેલવે તંત્ર ગંભીરતાથી વિચારતું હોય નવા સ્ટોપેજ ફાળવતા પહેલા જે જૂની ટ્રેનોના સ્ટોપેજ ઉઠાવી લેવામાં આવ્યા છે. એજ સ્ટોપેજ પુન: શરૂ કરી દેવામાં આવે તો દાહોદવાસીઓ માટે ટ્રેનની મુસાફરી રાહતરૂપ નીવડશે અને જો સાંસદની રજૂઆત ધારદાર હશે અને રેલવે સંબંધીત બાબતોને દાહોદને ન્યાય મળે તે બાબતે નવા ટ્રેનોના સ્ટોપેજ ફાળવાય તો સોને પે સુહાગા જેવી લાગણી અનુભવાશે એટલું જ નહીં રેલવે તંત્રની રેવન્યુમાં પણ મહત્તમ વધારો જોવા મળશે તેમાં કોઈ બે મત નથી.