
- દાહોદ રેલવે સ્ટેશન ટૂંક સમયમાં સ્માર્ટ બનશે: અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રીડેવલોપમેન્ટનું કામ પૂરજોશમાં.
- એસી લોન્જ, લક્ઝ્યુરિસ ડોરમેટરી, મહિલા વેટિંગરૂમ, સહિત સર્ક્યુલેટિંગ એરિયા તેમજ બહારના એલીવેશનની કાયાપલટ કરાશે.
- લિફ્ટ,એસ્કેલેટર અને રેમ્પની સુવિધા સાથે નવા FOB (ફૂટ ઓવરબ્રિજ) બનશે : છ મહિનાની ડેડલાઈન નક્કી કરાઈ.
દાહોદ,દાહોદ હવે સ્માર્ટ સિટીની સાથે સાથે સ્માર્ટ રેલવે તરફ પર અગ્રેસર થઈ રહ્યો છે. તાજેતરમાં રેલવે તંત્ર દ્વારા રતલામ મંડળના 16 જુદા-જુદા રેલવે સ્ટેશનોને અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે રીડેવલોપમેન્ટ કરવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત આ યોજનામાં સામેલ દાહોદ-લીમખેડા રેલવે સ્ટેશનનું કરોડો રૂપિયાના ખર્ચે સોંદર્યકરણ કરવાની દિશામાં આગળ વધી બન્ને રેલવે સ્ટેશન પર રીડેવલોપમેન્ટનું કામ પૂરજોશમાં શરૂ કરી દીધો છે. જેના પગલે ગઈકાલે રતલામ મંડળના ડી.આર.એમ રજનીશ કુમાર દાહોદની મુલાકાતે આવ્યા હતા. અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે ચાલી રહેલા કામોનું નિરીક્ષણ કરી જરૂરી નિર્દેશો આપ્યા હતા.

પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં સમાવિષ્ટ 16 સ્ટેશનોની અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રીડેવલપમેન્ટ કરવાની જાહેરાત કરી છે. આ તમામ 16 સ્ટેશન માટે માળખાકીય વિકાસ સુનિશ્ચિત કરવામાં આવશે. તમામ કેટેગરીના સ્ટેશનો પર હાઇ-લેવલ પ્લેટફોર્મ બનાવવામાં આવશે.પ્લેટફોર્મની લંબાઈ 600 મીટર હશે. રેલવે સ્ટેશનો માટે માસ્ટર પ્લાનની તૈયારી અને અમલીકરણ લઘુત્તમ આવશ્યક સુવિધાઓથી વધુ સુવિધાઓ વધારવા અને સ્ટેશન પરિસરમાં રૂફ પ્લાઝા અને સિટી સેન્ટર બનાવવા માટે લાંબા ગાળામાં પ્લેટફોર્મ વિસ્તારોની ગટરનું નિરાકરણ અત્યંત મહત્ત્વનું છે. ગટરોની સાફ-સફાઈ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. જ્યાં ઢાળ ન હોય ત્યાં યોગ્ય ક્રોસ ડ્રેઇન, આગળ, સમ્પ અને પંપ આપવામાં આવશે.

રેલ્વે સ્ટેશનના યુઝર્સને ફ્રી વાઈ-ફાઈ સુવિધા આપવામાં આવશે.માસ્ટર પ્લાનમાં 5G ટાવરનો પણ સમાવેશ થાય છે. જે બાદ રેલવે તંત્ર દ્વારા દાહોદ લીમખેડા રેલવે સ્ટેશન પર જુદી-જુદી વ્યવસ્થાઓ ઉભી કરવા માટે ડિમોલેશન કરી નવેસરથી ડેવલોપમેન્ટનું કામ પૂરજોશમાં શરૂ કરી દીધું છે. જોકે દાહોદમાં કેટલાક પ્રોજકટના તો સ્ટ્રક્ચર ડિઝાઇન, થ્રીડી નકશો, તેમજ તમામ મંજૂરીઓ આપવામાં આવતા તેનું કામ પણ છેલ્લા કેટલા સમયથી ચાલી રહ્યો છે. આ તમામ પ્રોજેક્ટ પૂર્ણ કરી અમરત ભારત સ્ટેશન અંતર્ગત દાહોદ ખાતે રીડેવલોપમેન્ટનું કામ પૂર્ણ કરવાની છ માસની ડેડલાઈન નક્કી કરવામાં આવી છે.

અમૃત ભારત સ્ટેશન અંતર્ગત રીડેવલોપમેન્ટની કામગીરીમાં દાહોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક અને બે-ત્રણ અગામી 6 માસમાં બટરફ્લાય શેડથી કવર કરવામાં આવશે. જેના પગલે ઉનાળા,તેમજ ચોમાસા દરમિયાન મુસાફરોને કોઈ પણ પ્રકારની હાલાકી નહિ પડે. બીજું કે આ સંપૂર્ણ રેલવે સ્ટેશન શેડ બનાવ્યા બાદ, ડિસ્પ્લે,ટીવી,ફ્રી વાઇફાઇ 5G કનેક્ટિવિટીની સુવિધા ઉપલબ્ધ કરાશે. તો બીજી તરફ પ્લેટફોર્મ નંબર 4 પણ અંદાજે 4 કરોડના ખર્ચે તૈયાર કરવાની મંજૂરી મળ્યાને ચાર થી પાંચ વર્ષનો સમય વીત્યો છે. જેમાં રેલવે દ્વારા જુના માલ ગોદામને જમીન દોસ્ત કરી નવા પ્લેટફોર્મ બનાવવા માટે બ્લોક પણ તૈયાર કરીને મૂકી દેવાયા છે. હાલ રેલવેએ આ પ્લેટફોર્મને દાહોદ-ઇન્દોર રેલ લાઈનના પ્રોજેક્ટમાં મર્જ કરી દીધો છે.જેમાં અતિવ્યસ્ત ગણાતા આ રૂટ પર દાહોદ કતવારા રેલ લાઈન ચાલુ કરતા પહેલા બ્લોક લઇ પ્લેટફોર્મ નંબર ચાર પણ ઊભું કરી દેવાશે. જેની તમામ તૈયારીઓ રેલવે તંત્ર પહેલેથી જ પૂર્ણ કરી દીધી છે.જોકે હાલ ગોદીરોડ તરફ ટિકિટ વિન્ડો અને પાર્કિંગની સુવિધા પહેલેથી જ રેલ્વે દ્વારા ઉપલબ્ધ કરી દેવામાં આવી છે.પરંતુ પ્લેટફોર્મ નંબર ચાર અસ્તિત્વમાં આવ્યા બાદ ગોદીરોડ વિસ્તારને ચોક્કસથી ફાયદો થશે.

રેલવે તંત્ર દ્વારા જુના રિટાયરીંગ રૂમને તોડી આ જગ્યા 36 બેડની ક્ષમતા ધરાવતી ફુલ્લી એરકન્ડિશન ડોરમેટરી બનાવવા માટે આઉટસોર્સિંગ એજન્સીને ટેન્ડર આપી દેવામાં આવ્યું હતું.જે હવે બનીને તૈયાર થઈ ગયું છે. તદ્દન વૈભવશાળી અને લકઝયુરીશ જેવા દેખાતો આ ડોરમેટરીમાં કુલ 36 લોકોની ક્ષમતા ધરાવતું છે. સાથે આ ડોરમેટરીમાં એક ફેમિલી સૂટ પણ બનાવવામાં આવ્યું છે. આ ડોરમેટરી નું ભાડું (299 onward) રાખવામાં આવ્યું છે જે બુક કરતા સમયે વધઘટ થશે.સાથે સાથે જે લોકો મુસાફરી કરી રહ્યા હોય તેવા મુસાફરો IRCTC ની વેબસાઈટ પર ઓનલાઇન અથવા ડોરમેટરી પર આવી બુક કરાવી શકશે.જેમાં 4 કલાક,8 કલાક, તેમજ 12 કલાક માટે પણ બુક થઈ શકે છે. આ સુવિધા સંભવત એક નવેમ્બર થી શરૂ થવાના એંધાણ છે. ત્યારે રેલવે તંત્ર દ્વારા ટિકિટ વિન્ડોની સામે આવેલા પે એન્ડ યુજ ટોયલેટને પણ તોડી નાખવામાં આવ્યું છે. આ જગ્યા ઉપર અત્યાધુનિક સુવિધા સાથે પે ટોયલેટ બનાવવામાં આવશે.

પ્લેટફોર્મ નંબર 1 પર હાલ જે જગ્યા ઉપર એન્ટ્રી અને એક્ઝિટ થાય છે. તે જગ્યાને થોડા સમય માટે બંધ કરી હંગામી ધોરણે પાર્સલ ઓફિસમાંથી એન્ટ્રી-એકઝીટ ચાલુ કરવામાં આવશે. તેમજ હાલમાં જે જગ્યા ઉપર એન્ટ્રી છે. તે મોટુ અને વિશાળ બનાવવામાં આવશે. તો બીજી તરફ સ્ટેશન પ્રબંધકની ઓફિસ અને મહિલા વેઇટિંગરૂમની બાજુમાંથી નવી એકઝીટ પોઇન્ટ બનાવવામાં આવશે જેથી સ્ટેશન પર આવતા મુસાફરો તેમજ મુલાકાતઓ માટે એન્ટ્રી અને એક્ઝીટ ટ બંને અલગ અલગ બનશે. તો સાથે સાથે દિવ્યાંગ મુસાફરો માટે રેમ્પ પર બનશે.જેમાં વિશેષ સુવિધાનું ધ્યાન આપવામાં આવશે.
રેલવે સ્ટેશન પર હાલ જે જગ્યાએ CNW ઓફિસ તેમજ તેની પાછળના ભાગે આવેલો પાર્ક તોડી પાડવામાં આવ્યું છે. આ જગ્યા ઉપર લક્ઝુરિયસ લાઈફ સ્ટાઇલ પ્રમાણે ફુલ્લી એર કન્ડિશન વેઈટિંગ રૂમ તેમજ, પાર્સલ ઓફિસની બાજુમાં આવેલા મહિલા વેટિંગ રૂમને પણ તોડી પાડવામાં આવ્યું છે. આ જગ્યા ઉપર ભૌતિક સુવિધાથી સંપન્ન વેઇટિંગ રૂમ બનશે.જે મુસાફરોને અલગ જ અનુભૂતિનો આભાસ કરાવશે.
સ્ટેશનની બહાર આવેલા સર્ક્યુલેટિંગ એરિયા જે જગ્યા ઉપર થોડા વર્ષો પહેલા EPVC સીટો દ્વારા રેલવે સ્ટેશનની સજાવટ કરવામાં આવી હતી.તે હવે જૂની અને જર્જરીત બનતા ઉપરોક્ત યોજના અંતર્ગત સર્ક્યુલેટિંગ એરિયા,તેમજ બહારનું એલીવેશનની ફાઇનલ ડિઝાઇન માટે રેલવે મંત્રાલયમાં મોકલી દીધું છે. જે ફાઇનલ થતા બહારનું એલીવેશન નક્કી કરેલ ડિઝાઇન મુજબ બનાવશે. પરંતુ હમણાં ટિકિટ વિન્ડો હોલમાં સંપૂર્ણ રીતે કાયાપલટ કરી મોટી ડિસ્પ્લે તેમજ એલઈડી સ્ક્રીન,તેમજ અન્ય જરૂરી સુવિધાથી પરિપૂર્ણ કરવામાં આવશે. તો સ્ટેટ બેન્કનો એટીએમ પણ તેની મૂળ જગ્યાથી અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે. હાલ જે જગ્યા પર બુક સ્ટોલ આવેલો છે તે પણ દૂર કરાશે.
હમણાં સ્ટેશન પર એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે એક જ ફૂટ ઓવર બ્રિજ કાર્યરત છે. પરંતુ અમૃત ભારત યોજના અંતર્ગત જુનો ફૂટ ઓવર બ્રિજ જે 8 મીટર પહોળો છે.તેણે વધારીને 12 મીટર કરાશે. તેવી જ રીતે રતલામ તરફના છેડા પર નવો ફૂટ ઓવર બ્રિજનું કામ ખૂબ જ મથરગતિએ ચાલી રહ્યું છે.આ નવા બ્રિજ પ્લેટફોર્મ નંબર 1 થી 2/3 અને 4 ને જોડતો બ્રિજ બનશે જેમાં એક તરફ ઇસકેલેટર તો બીજી તરફ માલ સમાન, પાર્સલ લઇ જવા માટે રેમ્પની સુવિધા ઉભી કરાશે. આ જ પ્રમાણે વડોદરા તરફ જવાનાં માર્ગે એન્ટ્રી ગેટથી નજીક વધુ એક ઓવરબ્રિજ લિફ્ટની સુવિધા સાથે બનશે. જે દિવ્યાંગ, તેમજ હેન્ડિકેમ્પ મુસાફરો માટે મહત્વપૂર્ણ બની રહેશે.