રેલ્વે પ્રવાસ દરમિયાન ટ્રેન સમયસર નહિ આવવા ઉપરાંત અન્ય સેવાઓની ખામી અંગે પંચમહાલ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા રેલ્વે વિભાગ પ્રવાસી દીઠ 11,800 રૂપિયા વળતર ચુકવવા હુકમ કરાયો છે.
ગોધરાના પરીમલ ડી.પાઠક તથા નિકુંજ જાની અને પરિવારના સદસ્યો ગોધરા રેલ્વે સ્ટેશનથી ઓખા નહાર લગુન ટ્રેનમાં બનારસ આવવા-જવા માટે પ્રવાસ કર્યો હતો. આ ટ્રેન ગોધરાથી જતી વેળાએ પાંચ કલાક મોડી આવી હતી. તેમજ નિશ્ર્ચિત પ્લેટફોર્મના બદલે અન્ય પ્લેટફોર્મ ઉપર આવી હતી. બનારસથી રિટર્નમાં પણ પાંચ કલાક મોડી ટ્રેન આવી હતી. અને પ્લેટફોર્મ પણ છેલ્લા સમયે બદલાઈ ગયુ હતુ. જેથી તમામ છ યાત્રાળુઓને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. આ બાબતે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ વકીલ પરીમલ ડી.પાઠક, હની જાની અને રાજેશભાઈ બારીયા દ્વારા રેલ્વે પાસેથી વળતર મેળવવા અરજી કરવામાં આવી હતી. આ અરજી સંદર્ભે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ જે.પી.ગઢવી અને સભ્ય ડી.એચ.રાવલે એડવોકેટ પી.ડી.પાઠક, હની જાની એડવોકેટ રાજેશભાઈ બારીયાની દલીલો ઘ્યાનમાં રાખી હતી. અને દરેક પ્રવાસીને રૂ.11,800 વળતર અને અરજી ખર્ચના બે હજાર રૂપિયા ચુકવવા રેલ્વે વિભાગને હુકમ કર્યો છે. ગ્રાહક તકરાર કમિશને ટ્રેન મોડી ઉપડવાને કારણે સિનીયર સિટીઝન યાત્રાળુ તથા મહિલા યાત્રાળુને થયેલી અગવડતા તેમજ સેવાની ખામીને ઘ્યાનમાં લઈ તેમજ આ જ મુદ્દા ઉપર સુપ્રિમ કોર્ટના ચુકાદાને ઘ્યાનમાં લઈ ચુકાદો આપવામાં આવ્યો છે.