નવીદિલ્હી, સરકારી કચેરીઓમાં બધું કામ ‘સિસ્ટમ’થી થાય છે પરંતુ રેલ મંત્રાલયના ગુવાહાટીસ્થિત કેટલાક અધિકારીઓએ આ સિસ્ટમના ઓઠા હેઠળ પોતાનો અલાયદો ‘વહીવટ’ ગોઠવ્યો હતો. સીબીઆઇને આ ‘વહીવટ’ની ફરિયાદ મળતાં તપાસ એજન્સીએ ૧૩ અધિકારીને ત્યાં દરોડા પાડીને સાતેય લાંચિયા અધિકારીનો પર્દાફાશ કર્યો હતો.
ડૅપ્યુટી ચીફ એન્જિનિયર રામપાલ, એક્સઇએન જિતેન્દ્ર ઝા, બીયુ લશ્કર, સિનિયર સેક્શન ઇજનેર રિતુરાજ ગોગોઈ, ધીરજ ભગવતી, મનોજ સૈકિયા, મિથુન દાસે ૧ મે, ૨૦૧૬થી ૩૦ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં ૬૦ કરોડ રૂપિયાથી વધુની લાંચ લીધી હોવાની ચોંકાવનારી વિગતો તપાસમાં બહાર આવી હતી. આ ટોળકીએ નોર્ધન ફ્રન્ટિયર રેલવેના જીરીબામ-ઇમ્ફાલ રેલ પ્રોજેક્ટનાં તમામ ટેન્ડર આસામની મેસર્સ ભારતીય ઇન્ફ્રા પ્રોજેક્ટ લિ. (બીઆઇપીએલ)ને ફાળવ્યાં હતાં અને ચકાસ્યા વિના બિલ પાસ કર્યાં હતાં.
લાંચની રકમ પત્ની, સંતાનો, માતા-પિતા અને અન્ય સંબંધીઓનાં બૅક્ધખાતાંમાં ટ્રાન્સફર કરાવતા હતા. રોકડ રકમ લેવા સંબંધીઓને મોકલતા હતા. બિલમાં લખેલી રકમની ટકાવારી પ્રમાણે લાંચની રકમ નક્કી કરાતી હતી. ખાતાંમાં રૂપિયા ટ્રાન્સફર થયા પછી ચકાસ્યા વિના બિલ પાસ કરાતાં હતાં. વધુ લાંચ મળે તે માટે આ અધિકારીઓ વધુ રકમનાં નકલી બિલ મૂકવાનું પણ કહેતા હતા. કંપનીએ લાંચ આપવા માટે ત્રણ બૅક્ધ ખાતાં ખોલાવ્યાં હતાં. ૨ એસબીઆઇ અને એક એચડીએફસી બૅક્ધમાં હતું.