
- બોર્ડે આઇઆરસીટીસીને અધિકાર આપ્યો છે કે તેઓ મેનુમાં પોતાની રીતે ફેરફાર કરી શકે.
નવીદિલ્હી,
રેલવેના ઈતિહાસમાં પહેલીવાર મુસાફરોને સ્થાનિક વાનગી (પ્રાદેશિક ભોજન)નું મેનુ કાર્ડ આપવામાં આવશે. ડાયાબિટીસના દર્દીઓ, બાળકો અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત મુસાફરોને હવે ઓન-બોર્ડ વિકલ્પોની શ્રેણી પ્રદાન કરવામાં આવશે. મંગળવારે રેલવે બોર્ડના આદેશમાં કહેવામાં આવ્યું છે કે આઇઆરસીટીસી ને સ્થાનિક અને પ્રાદેશિક ભોજન તેમજ ડાયાબિટીસના દર્દીઓ, બાળકો અને આરોગ્ય પ્રેમીઓ માટે યોગ્ય ખોરાકનો સમાવેશ કરવા માટે તેમના મેનુમાં ફેરફાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. બોર્ડે ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનને પોતાની ફૂડ કેટરિંગ સેવાઓ સુધારવા અને મુસાફરોને વધુ વિકલ્પો ઉપલબ્ધ કરાવવાના હેતુથી તેનું મેનુ બદલવાની મંજૂરી આપી હતી.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ’ટ્રેનમાં કેટરિંગ સેવાઓમાં સુધાર કરવામાં આવી રહ્યો છે. આને આગળ વધારતા,આઇઆરસીટીસીને મેનુને કસ્ટમાઇઝ કરવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કરીને પ્રાદેશિક ભોજન, મોસમી વાનગીઓ, તહેવારોના ભોજન અને મુસાફરોની વ્યક્તિગત પસંદગીઓના આધારે અન્ય વ્યંજનોનો સમાવેશ કરી શકાય. આ સાથે મુસાફરોને ડાયાબિટીક ફૂડ, બેબી ફૂડ, હેલ્થ ફૂડના વિકલ્પો પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રેલ્વે બોર્ડ ભોજનનું મેનુ નક્કી કરતું હતું. રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર જેવા દક્ષિણ અને પશ્ર્ચિમી રાજ્યોના મુસાફરો તરફથી એવી ફરિયાદો આવી હતી કે તેઓને પ્રાદેશિક ભોજન મળતો નથી કારણ કે રેલવે પાસે માત્ર એક જ પ્રકારની ખાણા-પીણી છે. આ પહેલીવાર છે જ્યારે બોર્ડે આઇઆરસીટીસીને અધિકાર આપ્યો છે કે તેઓ મેનુમાં પોતાની રીતે ફેરફાર કરી શકે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આનાથી માત્ર ખોરાકની ગુણવત્તા સુધારવામાં જ મદદ નહીં મળે પરંતુ ડેસ્ટિનેશન પ્રમાણે મેનુને કસ્ટમાઇઝ કરવાની પણ છૂટ મળશે. ઉદાહરણ તરીકે, ગુજરાત જતી ટ્રેનોમાં ફાફડા, ઢોકળા અને અને મહારાષ્ટ્ર જતી ટ્રેનોમાં વડાપાવ જેવી સ્થાનિક વાનગીઓ મળશે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જે પ્રીપેડ ટ્રેનોમાં કેટરિંગ ચાર્જ પેસેન્જર ભાડામાં સામેલ છે તેમાં મેનુ પહેલેથી જ સૂચિત ટેરિફમાં નક્કી કરવામાં આવશે.
મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં એમઆરપી પર અ-લા-કાર્ટે ફૂડ અને બ્રાન્ડેડ ખાદ્યપદાર્થોના વેચાણની મંજૂરી આપવામાં આવશે. આવા અ-લા-કાર્ટે ભોજન માટે મેનુ અને શુલ્ક દ્વારા નક્કી કરવામાં આવશે. બોર્ડે તેના આદેશમાં આઈઆરસીટીસીને જણાવ્યું હતું કે મેનુ નક્કી કરતી વખતે, તેણે ખાતરી કરવી પડશે કે ખોરાક અને સેવાની ગુણવત્તા અને ધોરણો સુધરે અને જથ્થામાં વારંવાર કાપ ન આવે તેમજ ગુણવત્તા જાળવી રાખવામાં આવે. સાથે જ મુસાફરોની ફરિયાદો ટાળવા માટે ગુણવત્તા જાળવી રાખે, હલકી ગુણવત્તાવાળી બ્રાન્ડ વગેરેનો ઉપયોગ કરે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે મેનુ ટેરિફ સુસંગત હોવું જોઈએ અને મુસાફરોની માહિતી માટે મેનુ પૂર્વ-સૂચિત હોવું જોઈએ.