સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસે ગોધરા તાલુકાના ઓરવાડા ગામે દુકાન પર બેસીને દારૂનો ધંધો કરતા એક ઇસમને 3.35 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પકડાયેલા ઇસમ સહિત ચાર ઈસમો સામે ગોધરા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસને બાતમી મળી હતી કે, ગોધરા તાલુકાના ઓરવાડા ગામે મોહન પુના નામના ઈસમની દુકાને એક ઇસમ બેસીને વિદેશી દારૂનો જથ્થો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસે બાતમી મુજબની દુકાને છાપો માર્યો હતો. પોલીસને દુકાન પરથી રૂ. 30 હજારની કિંમતની 306 જેટલી વિદેશી દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ વિદેશી દારૂનો જથ્થો હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવાતી એક કાર મળી આવી હતી.
પોલીસે દારૂનો જથ્થો, કાર અને એક મોબાઈલ ફોન મળીને કુલ રૂ 3.35 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે દુકાન પર દારૂ વેચતા કૌશિક મોહનભાઈ બારીયા નામના ઈસમની અટકાયત કરી હતી. જ્યારે દારૂનો ધંધો કરનાર મુખ્ય આરોપી મોહન પુના બારીયા, દારૂનો જથ્થો આપી જનાર નરેન્દ્ર ઉર્ફે નંદુ દિપસિંહ પટેલ અને વિજય પટેલ નામના ઈસમો સામે પણ ગોધરા તાલુકા પોલીસ મથકે પ્રોહીબિશન કાયદા મુજબ ગુનો નોંધીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.