
લખનૌ, ઉત્તર પ્રદેશની પ્રયાગરાજ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલો રાહુલ ગાંધીના પાલતુ શ્વાન સાથે જોડાયેલો છે કારણ કે તેમણે શ્વાનનું નામ ‘નૂરી’ રાખ્યું છે.
આ ફરિયાદ એઆઇએમઆઇએમના પ્રવક્તા મોહમ્મદ ફરહાને તેમના વકીલ અમજદ અલી મારફતે નોંધાવી છે. રસપ્રદ વાત એ છે કે ત્રણ મહિના પહેલા પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ફરહાન વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. ફરહાનને તેની ધરપકડ પર સ્ટે મળ્યો છે. મોહમ્મદ ફરહાને ફરિયાદમાં કહ્યું કે તેને અંગ્રેજી અને હિન્દી સમાચાર મત્રો દ્વારા ખબર પડી કે રાહુલે ૪ ઓક્ટોબરે વર્લ્ડ એનિમલ ડે પર તેની માતા સોનિયા ગાંધીને એક ગલુડિયું ગિફ્ટ કર્યું હતું.
એઆઇએમઆઇએમના પ્રવક્તા ફરહાને દાવો કર્યો હતો કે રાહુલ દ્વારા ગલુડિયાનું નામ ‘નૂરી’ રાખવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે આ નામ પયગંબર મુહમ્મદ સાથે જોડાયેલું હોવાથી તેને શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે. ‘નૂરી’નો ઉલ્લેખ પવિત્ર કુરાનમાં ઘણી વખત કરવામાં આવ્યો છે. ઘણી મસ્જિદોનું પણ આ જ નામ છે અને તેથી શ્વાન માટે આ નામનો ઉપયોગ કરવાથી મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરહાનના વકીલ અલીએ કહ્યું કે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટે ફરિયાદીનું નિવેદન નોંધવા માટે ૮ નવેમ્બરની તારીખ નક્કી કરી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાના ફેસબુક અને યુટ્યુબ એકાઉન્ટ પર ગલુડિયાની તસવીર પણ શેર કરી છે.