બેંગ્લુરુ : ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના વડા અમિત માલવિયા વિરુદ્ધ બેંગલુરુમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. કોંગ્રેસ નેતા રમેશ બાબુની ફરિયાદના આધારે પોલીસે આ એફઆઇઆર નોંધી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ટ્વિટ કરવા બદલ રમેશે અમિત માલવિયા વિરુદ્ધ બેંગ્લોરના હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
હકીક્તમાં, ૧૭ જૂને, બીજેપી આઈટી સેલના વડાએ તેમના ટ્વિટર હેન્ડલથી રાહુલ ગાંધી વિશે એક એનિમેટેડ વીડિયો શેર કર્યો હતો. વીડિયો શેર કરતી વખતે માલવીયે રાહુલને ખતરનાક ગણાવ્યો અને કહ્યું કે તે જીવલેણ રમત રમી રહ્યો છે. લગભગ અઢી મિનિટના વીડિયોમાં રાહુલ ગાંધી પર આંતરરાષ્ટ્રીય મીડિયાને પોતાનું પ્યાદુ બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
વીડિયોમાં માલવિયાએ રાહુલ ગાંધી દ્વારા ભારત અને દેશના મુસ્લિમો વિશે કરેલી ટિપ્પણીઓનો પણ ઉલ્લેખ કર્યો છે. આ સાથે રાહુલની તરફથી નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ પવિત્ર સેંગોલને પ્રણામ કરવા અંગે વિદેશમાં કરેલી ટિપ્પણીઓને પણ સામેલ કરવામાં આવી છે. જેને લઈને વિવાદ શરૂ થયો છે તે વીડિયો તમે જોઈ શકો છો.
કોંગ્રેસના નેતા પવન ખેડાએ બેંગ્લોર પોલીસે કેસ નોંધ્યા બાદ માલવિયા પર નિશાન સાધ્યું છે. ખેડાએ કહ્યું કે, દેશ સાથે છેતરપિંડી કરનાર જો કોઈ હોય તો તે ભાજપ આઈટી સેલ છે. અમિત માલવિયા એ વ્યક્તિ છે જેમણે પીએમના વિદેશ પ્રવાસ પર પલટો કર્યો. કેન્દ્ર સરકારે પણ તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ અને એફઆઈઆર નોંધવી જોઈએ.
કર્ણાટકના આઈટી મંત્રી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગેએ કહ્યું કે, ભાજપને દેશના કાયદાનું પાલન કરવામાં સમસ્યા છે. જો આપણે તે કાયદાનું પાલન કરીએ તો જ સમસ્યા છે. ભાજપે જણાવવું જોઈએ કે અમિત માલવિયા વિરુદ્ધ એફઆઈઆરનો કયો ભાગ એવો છે કે તે દૂષિત ઈરાદાથી નોંધવામાં આવ્યો છે. જો કોઈ સમસ્યા હોય તો કોર્ટમાં જવાનો રસ્તો ખુલ્લો છે.