રાહુલની સજા પર સ્ટે: સત્યને પરેશાન કરી શકાય પરંતુ પરાજીત ન કરી શકાય : શક્તિસિંહ ગોહિલ

  • રાહુલ ગાંધીની સજા પર સ્ટે મુક્યા બાદ જીગ્નેશ મેવાણીએ કહ્યું- ’મેં જે કહ્યું તે કર્યું. માફી નહીં.’

અમદાવાદ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સજા પર સ્ટે લગાવવાનો સુપ્રિમ કોર્ટે આદેશ કર્યો છે સુપ્રિમ કોર્ટના ચુકાદાને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ખૂબ ખુશીની વાત છે કે રાહુલ ગાંધીને સુપ્રિમ કોર્ટે સંપૂર્ણ રાહત આપી છે. આપણે ત્યાં કહેવાય છે કે “સત્યમેવ જયતે”. આપણે ત્યાં એવુંય કહેવાય છે કે સત્યને પરેશાન કરી શકાય પરંતુ પરાજીત ન કરી શકાય. રાહુલ ગાંધીજીને ખોટા કેસમાં ખૂબ પરેશાન કરવામાં આવ્યા પરંતુ આખરેસુપ્રિમ કોર્ટમાંથી એમને ન્યાય મળ્યો. સુપ્રિમ કોર્ટે આજે રાહુલ ગાંધીજીને મોટી રાહત આપી છે એટલું જ નહીં આપણા ગુજરાત માટે કેટલીક દીવાદાંડી કે લાલ લાઈટ કહી શકાય તેવી સ્થિતિનું પણ દર્શન કરાવ્યું છે.

સુપ્રિમ કોર્ટે કહ્યું કે રાહુલ ગાંધીજીના કેસમાં સુરતની ટ્રાયલ કોર્ટે મેક્સ ટુ મેક્સ પનિશમેન્ટ કરી હતી, જે અયોગ્ય હતી. રાહુલ ગાંધીજીના કેસમાં નોન-કોગ્નીઝેબલ ગુનો હતો, જામીન પાત્ર ગુનો હતો, સમાધાનલાયક ગુનો હતો, તેમાં સુરતની ટ્રાયલ કોર્ટે મેક્સ ટુ મેક્સ એટલે કે પૂરેપૂરી બે વર્ષની સજા ફટકારી છે ત્યારે તેમાં વિસ્તૃત કારણો વગર પૂરેપૂરી સજા ન કરી શકાય તેવો સિદ્ધાંત છે તેનું પાલન કરવાનું કે તેના વિશે ધ્યાન આપવાનું સેશન્સ કોર્ટ અને ગુજરાતની હાઈકોર્ટ બંને અપીલ કોર્ટો ચુકી છે તેમ પણ નામદાર સુપ્રિમ કોર્ટે કહ્યું હતું.

રાહુલ ગાંધીજીને ખૂબ પરેશાન થવું પડ્યું છે પરંતુ તેઓ પરાજીત થયા નહીં, ડર્યા નહીં, ગભરાયા નહીં, સત્ય માટે લડતા રહ્યા અને આખરે સત્યનો વિજય થયો છે તેનો વિશેષ આનંદ છે. આવતા દિવસોમાં પણ ન્યાયના મંદિરોમાં સરકાર કોઈ પણ હોય પરંતુ બિનપક્ષપાતી ન્યાય થતો રહેશે તેવી આશા શક્તિસિંહ ગોહિલે વ્યક્ત કરી હતી.

મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ પુન:સ્થાપિત થશે. કોંગ્રેસના નેતાઓ આ અંગે અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ખુશી વ્યક્ત કરી રહ્યા છે.તે જ સમયે, કોંગ્રેસનું સમર્થન કરનારા પક્ષોએ પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. કોંગ્રેસના નેતા અને ગુજરાતના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું કે રાહુલ ગાંધીએ જે કહ્યું તે સાબિત કરી દીધું. રાહુલ ગાંધીનો એક જૂનો વીડિયો શેર કરતાં જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કર્યું કે, મારું નામ રાહુલ ’સાવરકર’ નથી, મારું નામ ’રાહુલ ગાંધી’ છે. સાચું બોલવા બદલ હું ક્યારેય માફી નહીં માંગું. જે કહ્યું હતું તે કર્યું. તમારા પર ગર્વ છે રાહુલ! ,