રાહુલના સવાલ, કમલ હાસનના જવાબ: ટીકાનું સૌથી ખરાબ સ્વરૂપ હત્યા છે, ગિટમાં વાઘનું પોસ્ટર આપી કહ્યું- તમારા બંનેની દૃષ્ટિ સરખી છે

  • રાહુલે કહ્યું- યુક્રેનમાં જે થયું એના વિશે રશિયાએ કહ્યું હતું કે તે નથી ઈચ્છતું કે યુક્રેન પશ્ર્ચિમી દેશો સાથે ગાઢ સંબંધો રાખે.

નવીદિલ્હી,

ઉત્તરપ્રદેશમાં ભારત જોડો યાત્રા ૩ જાન્યુઆરીથી શરૂ થવાની છે. એના એક દિવસ પહેલાં રાહુલ ગાંધીએ કમલ હાસન સાથે ભારતીય રાજકારણ અને સંસ્કૃતિ બાબતે ચર્ચા કરી હતી. રાહુલે આ ચર્ચાની ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું છે કે તેઓ માનતા નથી કે પશ્ર્ચિમી દેશ ચીનને પછાડી શકે છે, આ કામ માત્ર ભારત જ કરી શકે છે.

આ ખાસ વાતચીતની શરૂઆત કરતાં રાહુલે કમલને કહ્યું- દેશમાં શું ચાલી રહ્યું છે એના વિશે તમે શું વિચારો છો એ જાણવા માટે હું આતુર છું. આ બાબતે કમલ હાસને સત્તાધારી ભાજપ પર કટાક્ષ કરતાં કહ્યું- મને લાગે છે કે આજે જે થઈ રહ્યું છે એના વિશે બોલવું મારી ફરજ છે. આ ૨,૮૦૦ કિમી કંઈ નથી, તમે પરસેવાથી તરબોળ થઈને ચાલો.

કમલ હાસને રાહુલને કહ્યું, મારી પાસે તમારા દાદાજીનું એક મોટું પુસ્તક છે, જ્યારે મેં એને વાંચ્યું તો મને ખબર પડી કે તમે જે ૨૮૦૦ કિલોમીટરની યાત્રા કરી છે એ તમારા માટે કંઈ નથી. તમે આંસુઓ અને લોહીથી ભરેલા રસ્તા પર ચાલ્યા છો. જો હું તમારી સાથે ન ચાલ્યો હોત તો એ તો યોગ્ય ન હોત.લગભગ ચાર વર્ષ પહેલાં રાજકારણમાં એન્ટ્રી કરનાર ૬૮ વર્ષીય નેતા- અભિનેતાએ ભારતના પ્રથમ વડાપ્રધાન અને જવાહરલાર નેહરુનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ભારત-ચીન સંબંધોની રશિયા-યુક્રેન સાથે સરખામણી કરતાં રાહુલે કહ્યું- યુક્રેનમાં જે થયું એના વિશે રશિયાએ કહ્યું હતું કે તે નથી ઈચ્છતું કે યુક્રેન પશ્ર્ચિમી દેશો સાથે ગાઢ સંબંધો રાખે. જો આમ થશે તો અમે તમારી જિયોગ્રાફી બદલીશું. આપણે ભારત સાથે સમાન સિદ્ધાંત જોઈ શકીએ છીએ. ચીન જાણે છે કે આપણે આંતરિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ, તેથી તે એમ જ કરી રહ્યું છે જેવું તે ઈચ્છે છે.ચીન આપણને કહી રહ્યું છે – અમે જે કરી રહ્યા છીએ એમાં સાવધાન રહો, નહીંતર અમે તમારી જિયોગ્રાફી બદલી નાખીશું. અમે લદાખ, અરુણાચલમાં આવીશું. રાહુલે કહ્યું- એક ભારતીય હોવાને તરીકે હું એ જ જોઈ રહ્યો છું કે ચીન રશિયાની જેમ બેઝ તૈયાર કરી રહ્યું છે. એટલા માટે હું મારા દેશને એલર્ટ કરવા માગું છું.

રાહુલ ગાંધીએ કમલ હાસનને પાણી પીતા વાઘનો ફોટો ગિટ કર્યો હતો, જેને પ્રિયંકા ગાંધીના પુત્ર રિહાને ક્લિક કર્યો હતો. તેમણે કમલને કહ્યું- ’આ ફોટો જીવન પ્રત્યેના તમારા વલણ વિશે જણાવે છે. આ તસવીર દર્શાવે છે કે તમે મહાન ભારતીય અને ચેમ્પિયન છો.

કમલ હાસને ૨૪ ડિસેમ્બરે દિલ્હી પહોંચેલી ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો. તેઓ રાહુલ સાથે ચર્ચા કરતા પણ જોવા મળ્યા હતા. જ્યારે મીડિયાએ કમલને ભારત જોડો યાત્રામાં સામેલ થવાનું કારણ પૂછ્યું તો કમલે કહ્યું, ’ઘણા લોકો મને પૂછે છે કે હું અહીં કેમ છું. હું અહીં એક ભારતીય તરીકે છું. મારા પિતા કોંગ્રેસી હતા. મારી અલગ-અલગ વિચારધારાઓ હતી અને મેં મારો પોતાનો રાજકીય પક્ષ શરૂ કર્યો, પરંતુ જ્યારે દેશની વાત આવે છે ત્યારે તમામ રાજકીય પક્ષોની રેખાઓ ઝાંખી પડી જાય છે. મેં તે લાઇનને ઝાંખી કરી અને અહીં આવ્યો છું. કમલે કહ્યું, મારો આત્મા મને કહે છે કે ભારત તોડવાનું નહીં, ભારત જોડવાનું કામ કરો.યાત્રામાં સામેલ થયાના એક દિવસ બાદ કમલે કહ્યું હતું કે માતૃભાષા આપણો જન્મસિદ્ધ અધિકાર છે. અન્ય ભાષાઓ શીખવી અને ઉપયોગ કરવો એ વ્યક્તિગત પસંદગીથી થાય છે. આ છેલ્લાં ૭૫ વર્ષથી દક્ષિણ ભારતનો અધિકાર છે. બીજા પર હિન્દી થોપવી એ મૂર્ખતા છે. દક્ષિણમાં એનો વિરોધ કરવામાં આવશે.