કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર તેમના અનામત સંબંધિત નિવેદન પર પરોક્ષ રીતે નિશાન સાધતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રવિવારે કહ્યું હતું કે બંધારણીય પદ ધરાવતા વ્યક્તિની આવી ટિપ્પણી ’બંધારણ વિરોધી માનસિક્તા’ દર્શાવે છે.મુંબઈમાં એક જાહેર કાર્યક્રમને સંબોધતા ધનખડે કહ્યું હતું કે ભારતના બંધારણ વિશે જાગૃતિની ખૂબ જ જરૂર છે, કારણ કે કેટલાક લોકો તેની મૂળ ભાવનાને જ ભૂલી ગયા છે.
બંધારણીય પદ પર બેસેલી વ્યક્તિ માટે વિદેશી ધરતી પર કહેવું કે અનામત નાબૂદ થવી જોઈએ તે બંધારણ વિરોધી માનસિક્તા દર્શાવે છે. આ એ જ જૂની બંધારણ વિરોધી માનસિક્તા છે, તેની જવાબદારી બીજા કોઈએ લીધી છે.ઉપરાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું હતું કે અનામત એ યોગ્યતાની વિરુદ્ધ નથી, પરંતુ તે દેશ અને બંધારણની આત્મા છે. તે નકારાત્મક નહીં પણ સકારાત્મક દૃષ્ટિકોણમાં છે. તે કોઈને તકોથી વંચિત રાખતું નથી, પરંતુ તે સમાજને શક્તિ આપતાં સ્તંભોને સમર્થન આપે છે.
ઉલ્લેખનીય છે કે લોક્સભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમની તાજેતરની અમેરિકાની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે કોંગ્રેસ ત્યારે જ અનામત સમાપ્ત કરવાનું વિચારશે જ્યારે દેશમાં દરેકને સમાન તકો મળવાનું શરૂ થઈ જશે અને હાલમાં ભારતમાં આવી સ્થિતિ નથી.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પર કોંગ્રેસે પલટવાર કર્યો છે. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે રવિવારે ઉપરાષ્ટ્રપતિ ધનખડને પ્રશ્ર્ન કર્યો કે, શું તમે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાનો ઈનકાર કરનારનું સમર્થન કરો છો કે તેની તરફેણ કરનારનું સમર્થન કરો છો? કોંગ્રેસના અન્ય નેતા પવન ખેરાએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ એસસી, એસટી અને ઓબીસી માટે ૫૦ ટકા મર્યાદાને દૂર કરવાની માગણી કરી છે. શું તમે કોંગ્રેસની આ માગને સમર્થન આપો છો?