નવીદિલ્હી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે મોડી રાત્રે યુરોપના પ્રવાસે રવાના થયા હતા. તે ૬ સપ્ટેમ્બરથી ૧૦ સપ્ટેમ્બર (૫ દિવસ) દરમિયાન ૪ યુરોપિયન દેશો- ફ્રાન્સ, બેલ્જિયમ, નેધરલેન્ડ અને નોર્વેની મુલાકાત લેશે. આ દરમિયાન રાહુલ ગાંધી યુરોપિયન યુનિયનના સભ્યો, ભારતીય સમુદાયના લોકો અને યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે.
રાહુલ ગાંધીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં જી ૨૦ સમિટ યોજાઈ રહી છે. તેમજ ભારત જોડો યાત્રાને એક વર્ષ પૂર્ણ થવા પર અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેઓ આ કાર્યક્રમોમાં ભાગ લેશે નહીં.
રાહુલ ગાંધીએ ગયા વર્ષે એટલે કે ૭ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ કન્યાકુમારીથી ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. તે ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં લગભગ ૪,૦૦૦ કિલોમીટરની યાત્રા કર્યા પછી ૩૦ જાન્યુઆરીએ શ્રીનગરમાં સમાપ્ત થઈ હતી.
રિપોર્ટ્સ અનુસાર, ૭ સપ્ટેમ્બરે ગાંધી બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયનના સભ્યોને મળશે. તે હેગમાં પણ આવી જ બેઠક યોજશે. તેઓ યુરોપિયન સંસદની માનવાધિકારની સબકમિટીના અધ્યક્ષ ઉડો બુલમેન સાથે પણ મુલાકાત કરશે. ૮ સપ્ટેમ્બરે તેઓ ફ્રાન્સની રાજધાની પેરિસમાં યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓને સંબોધન કરશે. ૯ સપ્ટેમ્બરે પેરિસમાં ફ્રેન્ચ લેબર યુનિયનની બેઠકમાં પણ ભાગ લેશે. ૧૦ સપ્ટેમ્બરે ગાંધી નોર્વેની રાજધાની ઓસ્લોમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરશે. વિદેશ મંત્રી વિપક્ષના નેતા અને પૂર્વ વડાપ્રધાન એર્ના સોલબર્ગ સાથે મુલાકાત કરશે. આ સિવાય તેઓ સાંસદો અને બિઝનેસ લીડર્સ સાથે પણ બેઠક કરશે.
રાહુલ ગાંધી આ પહેલા ૩૧ મેના રોજ અમેરિકા ગયા હતા. ૧૦ દિવસની મુલાકાતમાં, તેમણે ભારતમાં લોકશાહી, સુરક્ષા અને રાજકારણના મુદ્દા પર વોશિંગ્ટન, ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કોમાં એનઆરઆઈને સંબોધન કર્યું હતું.
સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીયો વચ્ચેના ભાષણ દરમિયાન, કેટલાક ખાલિસ્તાન સમર્થકોએ ભારત વિરોધી, કોંગ્રેસ વિરોધી અને ઈન્દિરા ગાંધી વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને ખાલિસ્તાનનો ઝંડો લહેરાવ્યો હતો. રાહુલે લાંબા સમય સુધી પોતાનું ભાષણ અટકાવવું પડ્યું. બાદમાં આ ખાલિસ્તાન સમર્થકોને પોલીસે બહાર કાઢી મુક્યા હતા.