રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં શંકાસ્પદ ડ્રોન ઉડતા જ પોલીસની દોડધામ, એકની ધરપકડ

નવીદિલ્હી, કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી ની સુરક્ષામાં ભારે ચૂક થવાની ઘટના બની છે. તેઓ યાત્રા સાથે કાનપુરના શુકલાગંજમાં ઉન્નાવ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક શંકાસ્પદ ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું. આ દરમિયાન રાહુલની સુરક્ષા કરી રહેલા જવાનોની નજર ડ્રોન કેમેરા પર પડતા ત્યાંથી તુરંત કાફલો આગળ રવાના કર્યો હતો અને પોલીસને જાણ હતી હતી. આ મામલે પોલીસે ડ્રોન સાથે એક યુવકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

રાહુલ ગાંધીની રાયબરેલી પહોંચેલી ન્યાય યાત્રાનો ભાજપ કાર્યર્ક્તાઓએ અનોખો વિરોધ કર્યો છે. કાર્યર્ક્તાઓએ જે રસ્તા પરથી રાહુલ ગાંધી પસાર થયા હતા, તે રસ્તાને પ્રયાગરાજથી લવાયેલ ગંગાજળથી ધોઈ વિરોધ નોંધાવ્યો છે. રાહુલ ગાંધીએ રાયબરેલીની યાત્રા દરમિયાન અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. એક તરફ ભાજપના કાર્યર્ક્તાઓએ રાહુલના નિકળ્યા બાદ માર્ગ ધોઈને વિરોધ નોંધાવ્યો છે, તો ઘણા સ્થળો પર કાળા ઝંડા દેખાડી યાત્રાનો વિરોધ કરાયો છે.

ભારત જોડો ન્યાય યાત્રા રાયબરેલીમાં પહોંચ્યા બાદ સુપર માર્કેટમાં રાહુલ ગાંધીની પ્રથમ સભા યોજાઈ હતી. આ દરમિયાન ભાજપના કાર્યર્ક્તાઓએ કાળા ઝંડા દેખાતી વિરોધ કર્યો હતો. તો બીજી તરફ ત્યાં બંને પક્ષોના કાર્યર્ક્તાઓ વચ્ચે સામ-સામે સૂત્રોચ્ચાર અને ઘર્ષણ પણ થયું હતું. જોકે પોલીસે તુરંત વચ્ચે પડી બંને પક્ષના લોકોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો. તો હવે ભાજપ કાર્યર્ક્તાઓ રાહુલની યાત્રા બાદ માર્ગો ધોઈ અનોખો વિરોધ નોંધાવ્યો છે.

કોંગ્રેસના જિલ્લા અયક્ષ રાકેશ ભાટીએ આજે જણાવ્યું છે કે, કોંગ્રેસની યાત્રા ૨૪મી ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશના બુલંદશહેર પહોંચશે. રાહુલ ગાંધી ત્યાં શિકારપુર વિધાનસભા મત વિસ્તારના ચૌઢેરા પંડરાવલનો પ્રવાસ કરશે. તેઓ ૨૫મીએ છતારીમાં લોકો સાથે પણ મુલાકાત કરશે.