રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સામે ’ડખો’, મણિપુરના મુખ્યમંત્રીએ મંજૂરી ના આપી

  • આ યાત્રાને રાજકારણથી કોઈ લેવા દેવા નથી, યાત્રા લોકોના ભલા માટે છે,કોંગ્રેસ

ઇમ્ફાલ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થશે કે કેમ તેના પર અત્યારથી સંકટના વાદળો ઘેરાતા જઈ રહ્યા છે. મણિપુર સરકારે ઈમ્ફાલ પૂર્વના હપ્તા કાંગજેઈબુંગથી શરૂ થનાર યાત્રાની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે.

સરકારે આ મામલે કહ્યું કે આ યાત્રાથી રાજ્યમાં કાયદો વ્યવસ્થા સામે સંકટ ઊભું થઇ શકે છે. રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ કીશમ મેઘચંદ્રએ મુખ્યમંત્રી એન.બિરેન સિંહે બેઠક બાદ સીએમ બના બંગલા સામે જ મીડિયાને સંબોધી હતી. તેમણે કહ્યું કે સીએમ બિરેન સિંહે રેલી શરૂ કરવાના આગ્રહને નકારતાં મણિપુરમાં વર્તમાન પ્રતિકૂળ સ્થિતિનો હવાલો આપ્યો. કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ મણિપુરના ઈમ્ફાલથી જ શરૂ થશે. અમે કોઈપણ સંજોગોમાં યાત્રા અટકવા નહીં દઈએ અને હિંસાનો ભોગ બનેલા નોર્થ ઈસ્ટથી જ શરૂ કરશે. પેલેસ ગ્રાઉન્ડમાં મંજૂરી ન આપી સ્થાનિક સરકાર યાત્રાથી ડરી રહી છે.

કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલે કહ્યું કે, ‘અમને માહિતી મળી છે કે, મણિપુર સરકારે ઈમ્ફાલના પેલેસ ગ્રાઉન્ડમાં યાત્રા સંબંધિત અમારી દરખાસ્ત રદ કરી દીધી છે. અમે મણિપુરની અવગણના ન કરી શકીએ, તેથી હવે અમે પૂર્વથી પશ્ચિમ સુધી યાત્રા યોજીશું. જો અમે ત્યાંથી યાત્રા ન કાઢીએ તો મણિપુરના લોકોને શું સંદેશો જશે?’

વેણુગોપાલે કહ્યું કે, ‘અમારે માત્ર મણિપુરથી યાત્રા શરૂ કરવાની જરૂર છે. અમે ત્યાં કોઈ અન્ય જગ્યાએથી યાત્રા શરૂ કરીશું. આ બાબતે વહેલીતકે માહિતી આપીશું. અમે પહેલા જ કહ્યું હતું કે, અમે યાત્રા કાઢીશું, તેમ છતાં તેઓ (રાજ્ય સરકાર) ના કેમ પાડી રહ્યા છે? તેઓ અમારી યાત્રાથી ડરી ગયા છે, તેથી જ મંજૂરી આપી નથી.’

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પણ કહ્યું કે, ‘યાત્રા ઈમ્ફાલથી જ શરૂ થશે. અમે પેલેસ ગ્રાઉન્સ નહીં તો અન્ય જગ્યા માટે મંજૂરી માંગી છે. આશા છે કે, મંજૂરી અપાશે. અમે એક વેબસાઈટ પણ તૈયાર કરાઈ છે, જેમાં યાત્રા સંબંધિત તમામ વિગતો અપાશે. આ માટે એક પેમ્લેટ પણ જારી કરાયું છે.’

કોંગ્રેસ વતી કીશમ મેઘચંદ્રએ કહ્યું કે વર્તમાન સ્થિતિને જોતાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના નેતૃત્વમાં પાર્ટી એક ખાનગી સ્થળેથી કાર્યક્રમની શરૂઆત કરશે. તેમણે કહ્યું કે પાર્ટીએ સત્તાવાર રીતે ૨ જાન્યુઆરીએ એક અરજી કરી ૬૬ દિવસની કૂચ યોજવા માગ કરી હતી. આ યાત્રાને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે ૧૪ જાન્યુઆરીએ લીલીઝંડી બતાવશે. સીએમના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરતાં મેઘચંદ્રએ કહ્યું કે ૬૭૧૩ કિ.મી.ની યાત્રાને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી અને તે લોકોના લાભ માટે યોજવામાં આવી રહી હતી.