લોક્સભા ચૂંટણી ૨૦૨૪માં કોંગ્રેસ બીજી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. પાર્ટીના ૯૯ ઉમેદવારો ચૂંટણી જીત્યા છે. જ્યારે મહારાષ્ટ્રના સાંગલીથી અપક્ષ ચૂંટાઈ આવેલા વિશાલ પાટિલે પણ પોતાનું સમર્થન કોંગ્રેસને જાહેર કર્યું છે. એનડીએ હાલ સરકાર બનાવવાની તૈયારીઓ કરી રહ્યુ છે અને ઈન્ડિયા ગઠબંધન હાલ તો વિપક્ષમાં બેસવા માટે તૈયાર થઈ ગયું છે.
છેલ્લા ૧૦ વર્ષથી લોક્સભામાં વિપક્ષના નેતાનું પદ ખાલી હતું. આ પદ મેળવવા માટે વિપક્ષ પાર્ટી પાસે ઓછામાં ઓછી ૧૦ ટકા સીટો હોવી જરૂરી છે. જ્યારે ૨૦૧૪ અને ૨૦૧૯માં કોંગ્રેસના સાંસદોની સંખ્યા ૫૪થી પણ ઓછી હતી. આવામાં આ પદ ખાલી હતું પરંતુ હવે આ પદના સૌથી મોટા દાવેદાર રાહુલ ગાંધી છે.
રિપોર્ટ્સમાં એવી અટકળો છે કે રાહુલ ગાંધી નેતા વિપક્ષ બનીને વિપક્ષનો અવાજ મજબૂત કરી શકે છે. જો કે રાહુલ ગાંધી ૨૦૧૪ અને ૨૦૧૯માં કોંગ્રેસ સંસદીય દળના નેતા બન્યા નહતા. જો રાહુલ ગાંધી નેતા પ્રતિપક્ષ બને તો તેમના ઉપર ઘણી મોટી જવાબદારી પણ હશે.
નેતા વિપક્ષ અનેક મહત્વપૂર્ણ સમિતિઓના સભ્ય હોય છે જેમાંથી કેટલીક સમિતિઓ ઈડી અને સીબીઆઈ જેવી કેન્દ્રીય એજન્સીઓના મુખિયાને પસંદ કરવાનું કામ પણ કરે છે. નેતા વિપક્ષ કેન્દ્રીય સૂચના આયોગ, કેન્દ્રીય સતર્કતા આયોગના પ્રમુખની પસંદગીમાં પણ સહયોગની ભૂમિકા ભજવે છે. અનેક કાર્યોમાં પ્રધાનમંત્રી અને સ્પીકર સાથે તેમની નિયમિત વાતચીત પણ થાય છે. નેતા વિપક્ષના પદને વર્ષ ૧૯૭૭માં બંધારણીય માન્યતા મળી હતી. આ પદ પર રહેતા નેતાને કેબિનેટ મંત્રી સમકક્ષ પગાર, ભથ્થા અને સુવિધાઓ મળે છે. વિપક્ષના નેતાના પદનો બંધારણમાં ઉલ્લેખ નથી. તે સંસદીય સંવિધિમાં છે.