રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ઝડપાયો

ભોપાલ,

મધ્યપ્રદેશમાં હાલ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ચાલી રહી છે. આ યાત્રા દરમિયાન એક વ્યક્તિએ રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. જે બાદ આ આરોપીની ઉજ્જૈન પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ બાદ ઈન્દોર પોલીસે આરોપીને પોતાની કસ્ટડીમાં લઈ ઈન્દોર લાવી હતી. આરોપીનું નામ દયા સિંહ ઉર્ફે પ્યારે ઉર્ફે નરેન્દ્ર સિંહ છે. ઈન્દોર પોલીસે આ સમગ્ર મામલે ખુલાસો કરતા કહ્યું કે, આરોપીએ પહેલા પણ ઘણા લોકોને પત્રો અને ફોન કોલ દ્વારા ધમકી આપી હતી.

હાલ પોલીસ રાહુલ ગાંધીને ધમકી આપવાના મામલે આરોપીની પૂછપરછ કરી રહી છે. આરોપી દયા સિંહ ઉત્તર પ્રદેશના રાયબરેલીનો રહેવાસી છે. ૧૮ નવેમ્બરે ઈન્દોરમાં આવેલી ગુજરાત સ્વીટ્સની દુકાન પર ધમકીભર્યો પત્ર મોકલવામાં આવ્યો હતો. જેમાં રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, સાથે રતલામના ભાજપના ધારાસભ્યના નામની સાથે ત્રણ મોબાઈલ નંબર પણ પત્રમાં લખવામાં આવ્યા હતા. ઈન્દોર પોલીસ સતત આરોપીની શોધમાં લાગેલી હતી. ગુરુવારે બપોરે નાગદા પોલીસને માહિતી મળી હતી કે આ વ્યક્તિ નાગદાની બાયપાસ હોટલમાં ભોજન કરી રહ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીને પકડીને ઈન્દોર પોલીસને હવાલે કર્યો હતો.

એડિશનલ ડીસીપી પ્રશાંત ચૌબેએ કહ્યું કે, આરોપીને શોધવા માટે ૨૦૦થી વધુ સીસીટીવી કેમેરાના ડેટાની તપાસ કરવામાં આવી છે. આ સાથે પોલીસે અડધો ડઝન શહેરોમાં હોટલ, લોજ અને રેલવે સ્ટેશન પર દરોડા પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તે ઘર છોડીને ગયો હતો અને ઘણા વર્ષોથી બહાર રહેતો હતો. તાજેતરમાં જ ઈન્દોરની ખાલસા કોલેજમાં આયોજિત કાર્યક્રમમાં આરોપીઓએ ભાગ લીધો હતો. તે કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પણ ભાગ લીધો હતો.

આરોપી દયા સિંહે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તે યુપીના રાયબરેલીનો રહેવાસી છે. તેમના પરિવારના મોટાભાગના સભ્યોનું અવસાન થયું છે. તે અશોકનગર, બારા, રાજસ્થાન, કોટા વગેરે વિસ્તારોમાં ફરતો રહે છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આરોપી પોતાની માનસિક સ્થિતિ ખરાબ હોવાનું જણાવી રહ્યો છે.