રાહુલ ગાંધીના વિમાનને વારાણસી એરપોર્ટ પર ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી,ફ્લાઈટ ઓપરેટર દ્વારા રદ કરવામાં આવી હતી.: વારાણસી એરપોર્ટનું ટ્વીટ

નવીદિલ્હી,

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પ્રયાગરાજ મુલાકાત રદ્દ કરવામાં આવી છે. પ્રવાસ રદ્દ થવાને લઈને કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીનું ચાર્ટર્ડ પ્લેન કેરળના વાયનાડથી ટેકઓફ થયું હતું, પરંતુ તેમને વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. કોંગ્રેસ નેતાઓએ આરોપ લગાવ્યો કે ભાજપ રાહુલ ગાંધીથી ડરે છે. આ અંગે વારાણસી એરપોર્ટ પ્રશાસનનું નિવેદન આવ્યું છે.

વારાણસી એરપોર્ટે ટ્વીટ કર્યું છે કે, ૧૩ ફેબ્રુઆરીએ એમ એસ એર એરવેજ દ્વારા એએઆઇ વારાણસી એરપોર્ટને ઈમેલ મોકલીને ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. મહેરબાની કરીને તમારું નિવેદન સુધારી લો કારણ કે ફ્લાઈટ ઓપરેટર દ્વારા રદ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ ભાજપ પર આરોપ લગાવી રહી હતી કે તેમના કારણે જ ફ્લાઈટને ત્યાં જ વારાણસી પહોંચવા દેવામાં આવી ન હતી.

કોંગ્રેસે મંગળવારે આરોપ લગાવ્યો કે મોડી રાત્રે રાહુલ ગાંધીના વિમાનને વારાણસી એરપોર્ટ પર ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી અને આ બદલો લેવા માટે કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય રાયે આક્ષેપ કર્યો હતો કે, વાયનાડ સંસદીય મતવિસ્તારમાંથી પરત ફરતી વખતે રાહુલ ગાંધીનું વિમાન અહીંના એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું, પરંતુ એરપોર્ટ ઓથોરિટીએ પ્લેનને છેલ્લી ક્ષણે ઉતરવાની મંજૂરી આપી ન હતી.

અજય રાયે કહ્યું કે, કોંગ્રેસના પૂર્વ વડા રાહુલ ગાંધી મંગળવારે પ્રયાગરાજની કમલા નેહરુ મેમોરિયલ હોસ્પિટલમાં એક કાર્યક્રમ માટે પ્રયાગરાજ જવાના હતા. વારાણસી એરપોર્ટના ડાયરેક્ટર આર્યમા સાન્યાલે પીટીઆઈને જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના આગમન અંગે અગાઉથી કોઈ માહિતી નહોતી. તેમણે કહ્યું કે છેલ્લી ક્ષણે તેમને ફ્લાઈટ કંટ્રોલર પાસેથી માહિતી મળી કે એરપોર્ટ પર ગાંધીનું લેન્ડિંગ શેડ્યૂલ રદ્દ કરવામાં આવ્યું છે.