રાહુલ ગાંધીના ટી શર્ટને લઈને યુપીના નાયબ મુખ્યમંત્રીની રમૂજ,ક્યાં જીવાણુ છે, જેનાથી ઠંંડી નથી લાગતી?

  • ૩ ડિગ્રી-૪ ડિગ્રી સેલ્સિયસ હોય અને વ્યક્તિ ટી-શર્ટ પહેરીને ફરતા હોય તો તેમને આટલી ઇમ્યુનિટી ક્યાંથી મળી રહી છે.

લખનૌ,

રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ભારત જોડો યાત્રા આ દિવસોમાં યુપી પહોંચી છે અને કાશ્મીર જઈ રહી છે. રાહુલ ગાંધી યાત્રા દરમિયાન માત્ર ટી શર્ટમાં જોવા મળી રહ્યા છે અને આ ટી શર્ટની સતત ચર્ચા થઈ રહી છે. ઉત્તર ભારતની કાતિલ ઠંડી વચ્ચે ચર્ચા ચાલી રહી છે કે રાહુલ ગાંધીને ઠંડી કેમ નથી લાગી રહી ત્યારે હવે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રીએ રમૂજ કરી છે.

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને બીજેપી નેતા બ્રજેશ પાઠકને આ મુદ્દે સવાલ કરાતા તેમણે કહ્યું કે, આના પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. આવી ઠંડીમાં જ્યારે તાપમાન ૩ ડિગ્રી-૪ ડિગ્રી સેલ્સિયસ હોય અને વ્યક્તિ ટી-શર્ટ પહેરીને ફરતા હોય તો તેમને આટલી ઇમ્યુનિટી ક્યાંથી મળી રહી છે તેના પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. અમે અમારા ડોકટરો કે અમે દવાના નિષ્ણાત છે તેમને પૂછ્યું છે કે એવું ક્યા જીવાણુ છે જે શરીરમાં જાય તો ઠંડી ન લાગે. બ્રિજેશ પાઠકે આગળ કહ્યું કે, આ પ્રકારના જીવાણું ક્યા છે તે અંગેનો રિપોર્ટ હજુ સુધી મને મળ્યો નથી, મને જાણ થતાં જ હું તમને જણાવીશ.

આ મુદ્દે ખુદ રાહુલ ગાંધીને પણ પુછાતા તેમને કહ્યું હતું કે, જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી ચાલે, આ પછી જોવામાં આવશે. જો કે હવે યુપીમાં જે રીતે કડકડતી ઠંડી પડી રહી છે તે પછી પણ રાહુલ ટી-શર્ટ પહેરીને મુસાફરી કરી રહ્યા છે. આ મુદ્દે પ્રિયંકા ગાંધીને પણ પુછાયુ હતું. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, તે સત્યનું બખ્તર પહેરીને ચાલી રહ્યા છે, ભગવાન તેને સુરક્ષિત રાખશે. અહીં તમને જણાવી દઈએ કે ભારત જોડો યાત્રા ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કન્યાકુમારીથી શરૂ થઈ છે અને આ યાત્રાની શરૂઆતથી જ રાહુલ ગાંધી ટી-શર્ટ પહેરીને ફરે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે લોકો મારી ટી-શર્ટ વિશે ચર્ચા કરી રહ્યા છે, પરંતુ કોઈ પ્રશ્ર્ન કેમ નથી પૂછતું કે આ યાત્રામાં ફાટેલા કપડા પહેરીને ફરતા નાના બાળકો સાથે આવું કેમ થઈ રહ્યું છે. ગરીબોના પ્રશ્ર્ન કેમ કોઈ પૂછતું નથી. સવાલ મારા ટી-શર્ટનો નહીં પણ એવા ગરીબ ખેડૂતોનો હોવો જોઈએ કે જેમના શરીર પર ફાટેલું શર્ટ કે જર્સી પણ નથી.