મુંબઇ, એક બાજુ ૨૦૨૪ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવા માટે વિપક્ષો એક થવાની તૈયારી દર્શાવી આ દિશામાં મથામણ કરી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્રના રાજકારણમાં અજીત પાવરએ પાડેલા ખેલને લઇને વિપક્ષી એક્તાને આંચકો લાગ્યો છે.એનસીપીના દિગ્ગજ નેતા અને શરદ પવારના ભત્રીજા અજિત પવાર ૧૮ ધારાસભ્યો સાથે મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થઈ ગયા છે. અજિત પવાર શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ બન્યાં છે. જેની પાછળનું કારણ એવું છે કે એનસીપીના ઘણાં નેતાઓ ભાજપ અને શિવસેના ગઠબંધન સરકારને સમર્થન આપવા માંગતા હતા. પરંતુ શરદ પવારની મંજૂરી વિના આ કાર્ય અશક્ય હતું. વધુમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે એનસીપીના નેતાઓ કોઈ પણ કાળે એવું નથી ઇચ્છતા કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા કે લોક્સભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી પદના દાવેદાર બને. આથી એનસીપીમાં સર્જાયેલ ભંગાણનું કારણ આ પણ હોઈ શકે છે.
નોંધનીય છે કે છેલ્લા એકાદ વર્ષથી એનસીપીમાં ખારખેદ અને આંતરિક ટાંટિયાખેંચ વધુ જોવા મળતી હતી. ખુલ્લેઆમ નહીં પરંતુ શરદ પવારથી અંદરખાને અજીત પવાર અનેક વખત પાર્ટી લાઈનથી અલગ નિવેદન આપતા દેખાયા હતા. ઘણી વખત તો ભાજપને સમર્થન આપવાની વાત પણ કરી હતી. બીજો બાજુ ઇડી, સીબીઆઇ સહિતની એજન્સીની નોટિસ બાદ પાર્ટીના અન્ય નેતાઓનો પણ સુર બદલ્યો હતો અને ભાજપ ગઠબંધન સરકારને સમર્થન આપવાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે થોડા દિવસ અગાઉ શરદ પવારે સન્યાસ લેવાની જાહેરાત કરી સમગ્ર પ્રકરણ ટાઢું પાડવા માટે કવાયત કરી હતી. પરંતુ તેમાં પણ તેની કોશિશ ઉલટી પડી અને હવે વિપક્ષી એક્તાની કવાયતે આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે.
તાજેતરમાં જ પટનામાં યોજાયેલી વિપક્ષે પાર્ટીઓની બેઠકમાં લાલુ યાદવે રાહુલ ગાંધીને દુલ્હા બની જવા મામલે નિવેદન આપ્યું હતું. લાલુ યાદવના આ નિવેદનને અનેક લોકોએ રાજકીય અર્થ કાઢ્યો હતો અને એવું માનવામાં આવી રહ્યું છે કે વિપક્ષે દળોની એક્તા બાદ તેનું નેતૃત્વ રાહુલ ગાંધીને કરવા માટે આશીર્વાદ આપ્યા હતા. આ હિસાબે તેઓ આગામી લોક્સભામાં વિપક્ષનો ચહેરો અને વડાપ્રધાન દાવેદાર બની શકે તેમ હોવાથી અમુક નેતાઓમાં વિરોધ હતો. સૂત્રોનું માન્ય તો એનસીપીના ઘણાં નેતાઓ એવા છે જે લોક્સભાની ચૂંટણી કોંગ્રેસની સાથે રહીને લડવા માંગતા નથી. આવી સ્થિતિમાં અજીત પવારનો સંકેત મળતાની સાથે જ તેઓએ ભાજપની સમર્થન આપવાની તૈયારી દર્શાવી દીધી હતી.