- સારવાર પહેલા રાહુલે કોટ્ટક્કલના શ્રી વિશ્ર્વંભરા મંદિરમાં પ્રાર્થના કરી હતી
મલપ્પુરમ, રાહુલ ગાંધી કેરળના મલપ્પુરમમાં ઘૂંટણના દુખાવાની સારવાર કરાવી રહ્યા છે. તેઓ અહીં 100 વર્ષ જૂની આયુર્વેદિક સંસ્થા કોટ્ટક્કલ આર્ય વૈદ્યશાળામાં સારવાર લઈ રહ્યા છે. વૈદ્યશાળાના પી. મદનવનકુટ્ટી વેરિયર અને કે. મુરલીધરનની સાથે ડોક્ટરોની એક ટીમ તેની સંભાળ લઈ રહી છે. તેઓ 29 જુલાઈ સુધી અહીં રહેશે. સારવાર પહેલાં રાહુલે કોટ્ટક્કલના શ્રી વિશ્વંભરા મંદિરમાં પ્રાર્થના કરી હતી. આ મંદિર આર્ય વૈદ્યશાળાના દર્દીઓ માટે આરામ અને શાંતિ માટે બનાવવામાં આવ્યું છે.
રાહુલ ગાંધીએ 21 જુલાઈના રોજ પૂર્વ સીએમ ઓમન ચાંડીના અંતિમસંસ્કારમાં હાજરી આપી હતી. આ પછી તેઓ કોટ્ટક્કલ પહોંચ્યા હતા.
કેરળના મલપ્પુરમ જિલ્લામાં કોટ્ટક્કલ ખાતે પીએસ વારિયર દ્વારા 1902માં તેની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થા વિશ્વભરના દર્દીઓને આયુર્વેદિક સારવાર અને દવાઓ પૂરી પાડે છે. કોટ્ટક્કલ, કાંજીકોડ અને નંજનગુડ ખાતે આર્ય વૈદ્ય શાળાના મેડિસિન મેન્યુફેક્ચર યુનિટ છે, જે 550થી વધુ આયુર્વેદિક દવાઓ બનાવે છે.
ગયા વર્ષે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલને ઘૂંટણના દુખાવાની સમસ્યા થઈ હતી. એ સમયે તેઓ કેરળમાં હતા. પ્રવાસ પૂરો થતાં તેમણે જણાવ્યું હતું કે એક સમયે ઘૂંટણનો દુખાવો એટલો વધી ગયો હતો કે યાત્રા ચાલુ રાખવી મુશ્કેલ હતી.
આ યાત્રા દરમિયાન રાહુલ સાથે એક ફિઝિયોથેરાપિસ્ટ પણ હાજર હતા. ભારત જોડો યાત્રાએ 75 જિલ્લા, 12 રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશને આવરી લેતાં 136 દિવસમાં 4,000 કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું હતું. રાહુલ ગાંધી રોજ ચાલતા હતા.
રાહુલ ગાંધી કેરળના વાયનાડ જિલ્લાના પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે. મોદી સરનેમ બદનક્ષી કેસમાં દોષિત ઠર્યા બાદ તેમને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, ત્યાર બાદ તેમનું સાંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. હાલમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે. કોર્ટે રાહુલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરનાર પૂર્ણેશ મોદી અને ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે. આ અંગે 10 દિવસમાં જવાબ આપવો પડશે. આ મામલે આગામી સુનાવણી 4 ઓગસ્ટે થશે.
જો રાહુલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં મળે તો તેઓ 2031 સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં. આ કેસમાં રાહુલને 23 માર્ચ 2023ના રોજ 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. નિયમો અનુસાર, સજા પૂર્ણ થયા બાદ છ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં તેમની સજા 2025માં પૂર્ણ થશે અને ત્યાર બાદ 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ રહેશે.